વલસાડઃ 21મી જૂનના વર્ષના સૌથી મોટા દિવસે આકાશમાં અદભુત સંયોગ પણ રચાયો છે. વર્ષો બાદ રવિવારે ચૂડામણિ કંકણાકૃતિ સૂર્યગ્રહણ છે. આ સૂર્યગ્રહણ 10 કલાકથી શરૂ થયું હતું. વલયાકાર એટલે કે રીંગની જેમ જોવા મળતું આ ચૂડામણિ કંકણાકૃતિ સૂર્યગ્રહણ તરીકે ઓળખાય છે. આ દરમિયાન આકાશમાં સૂર્યનો ઘેરાવો એક ચમકતી વીંટી જેવો નજર આવ્યો હતો. આ પહેલા વર્ષ 1995માં આ પ્રકારનું સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું.
ચૂડામણિ કંકણઆકૃતિ સૂર્યગ્રહણ દેખાયું ત્યારે લોકોમાં ખુશીનું ફરી વળ્યું સૂર્યગ્રહણ 21મી જૂનના 9:57 કલાકે શરૂ થયું હતું. સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે. જેની સાથે ધર્મ જ્યોતિષ અને વિજ્ઞાનના પોતાના અર્થ પણ હોય છે. જ્યોતિષીઓ માને છે કે, મહામારી સમયમાં લાગનારું સૂર્યગ્રહણ ઘણું જ અશુભ છે.
વાદળછાયા વાતાવરણ વચ્ચે જોવા મળ્યો સૂર્યગ્રહણનો આહ્લાદક નજારો આ સૂર્યગ્રહણ ભારત સહિત દુનિયાના પાકિસ્તાન, ચીન, સેન્ટ્રલ આફ્રિકાના દેશ, કોંગો, નોર્થ ઓસ્ટ્રેલિયા, યુરોપ સહિતના અલગ અલગ દેશમાં જોવા મળ્યું હતું. ભારતમાં ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ સહિતના રાજ્યમાં જોવા મળ્યું હતું.
તમામ શહેરોમાં સૂર્યગ્રહણ અલગ-અલગ સમય પર જોવા મળ્યું હતું. વાપી અને વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણની વાત કરીએ, તો આ વિસ્તારમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે સવારમાં પણ વરસાદ વરસ્યો હતો. જ્યારે સૂર્યગ્રહણના સમયે આકાશમાં વાદળો જાણે સંતાકૂકડી રમતા હોય તેઓ અદભૂત નજારો જોવા મળ્યો હતો.
થોડા સમય માટે સૂર્ય આ વાદળોમાં ઢંકાતો હતો અને તે બાદ ફરી સૂર્યના કિરણો આકાશમાં ચારે તરફ ફેલાતા હતા. આ અદભુત નજારો વલસાડ જિલ્લાના વાપી સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં અબાલ વૃદ્ધ સૌ કોઈએ મનભરીને માણ્યો હતો.