વલસાડ: દર વર્ષે ચોમાસા દરમિયાન મહારાષ્ટ્રના દરિયા કિનારાથી વલસાડ, તિથલ સુધી ચોમાસાના સમયે ઓઇલ વેસ્ટ આવતું હોય છે. જેની ચાદર આ વર્ષે પણ નારગોલના માછીવાડ, માંગેલવાડ, માલવણ બીચ ખાતે પથરાઈ છે.
ગત 16 વર્ષથી કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ મંત્રાલયના ડાયરેક્ટર ઓફ જનરલ ઓફ હાઈડ્રો કાર્બન, કેન્દ્રિય પ્રદૂષણ બોર્ડ અને ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયને માછીમારો તથા પર્યાવરણ માટે કામ કરતી સંસ્થાઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં આ ભેદી ઓઇલ ક્યાંથી આવે છે, તે શોધવામાં ગુજરાત સરકાર અને મહારાષ્ટ્ર સરકારની એજન્સીઓ અને કોસ્ટ ગાર્ડ નિષ્ફળ નીવડ્યું છે.
ઉમરગામના દરિયા કિનારે પ્રદૂષિત ઓઇલ વેસ્ટની કાળી ચાદર પથરાઈ કોરોનો વાઇરસની દહેશતને પગલે લાદવામાં આવેલા લોકડાઉનથી પ્રદૂષણની માત્રામાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે, ત્યારે ઉમરગામ તાલુકાનાં નારગોલ સહિત કાંઠા વિસ્તારના ગામોના દરિયા કિનારે ભરતીના પાણીમાં ભેદી ઓઇલ વેસ્ટ મોટી માત્રામાં આવતા સ્થાનિક પ્રજા તેમજ પર્યાવરણવાદીઓમાં ચિંતાનું વાતાવરણ પ્રસરી ચૂક્યું છે.
દર વર્ષે ચોમાસાની ઋતુ શરૂ થતાં ખાસ કરીને જુલાઇ માહિનામાં ઊંડા દરિયા તરફથી ઓઇલ વેસ્ટ દરિયાની ભરતીમાં મહારાષ્ટ્ર રાજ્યના કેળવે, દહાણુંથી ગુજરાતના ઉમરગામ તાલુકાના ગામોના દરિયા કિનારેથી છેક વલસાડના તિથલ દરિયા કિનારા સુધી આવતું હોય છે. ગત વર્ષે આ પ્રકારનું ઓઇલ વેસ્ટ જુલાઈ મહિનાના અંતે આવ્યું હતું. જે આ વર્ષે ઓગસ્ટ મહિનાના અંતે આવ્યું છે.
ચોમાસાની ઋતુમાં જયારે માછલીનો બ્રિડિંગ પિરિયડ ચાલતો હોય છે, ત્યારે ગત 16 વર્ષ જેટલા સમયથી સતત આ પ્રકારના ઓઇલ વેસ્ટની આવકથી દરિયાઇ જીવસૃષ્ટિ તથા મત્સ્ય સંપદાને ભયંકર નુકસાન થઈ રહ્યું છે. જેને લઇને માછીમારોમાં નારાજગી જોવા મળી રહી છે.