દમણ: નાની દમણ પોલીસ મથકમાં એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેની નાની બહેન 21 ડિસેમ્બર 2016થી ગુમ થઈ હતી અને તેને દમણના કોઈ વિસ્તારમાં બંધક બનાવવામાં આવી તે અંગેનો ફોન અજાણ્યા નંબર પરથી આવ્યો હતો. જેથી દમણ પોલીસે તાત્કાલિક વિવિધ ટીમ બનાવી યુવતીની શોધખોળ શરૂ કરી હતી. જેમાં યુવતીને શોધવામાં પોલીસ સફળ રહી છે.
યુવતીનું 4 વર્ષ અગાઉ યુપીથી થયું અપહરણ, પીડિતાને દમણ પોલીસે બચાવી - દમણ પોલીસ
ઉત્તર પ્રદેશથી 4 વર્ષ પહેલાં એક યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેને આરોપીએ 80 હજારમાં વહેંચી દીધી હતી. જેથી પોલીસે યુવતીને મુક્ત કરાવી છે.
આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર સોહિલ જીવાણીએ જણાવ્યું હતું કે, મુક્ત કરાયેલી યુવતીનું તેના જ ગામના 2 ઈસમો દ્વારા પદાર્થ સુંઘાડી અપહરણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તે ઈસમોએ આ યુવતીને 80,000 રૂપિયામાં આધેડને વહેંચી દીધી હતી. જેથી આધેડે યુવતી સાથે લગ્ન કરી સતત 4 વર્ષ દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ આધેડ ખરાબ ઈરાદે યુવતીને દમણમાં લાવ્યો હતો.
પોલીસે યુવતીને મુક્ત કરાવી અન્ય એક મહિલાની અટકાયત કરી છે. જ્યારે યુવતી સાથે લગ્ન કરી દુષ્કર્મ આચરનારો પતિ ફરાર છે. જેથી પોલીસે ફરાર પતિ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.