સેલવાસઃ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 29મી જુલાઈએ સ્થાનિક વિસ્તારના 19 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. તો, એ સાથે ઔદ્યોગિક વિસ્તારમાં હાથ ધરાતાં ચેકીંગ દરમિયાન બહારથી કામ અર્થે આવેલા 32 કામદારોનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવતા કુલ એક જ દિવસમાં 51 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જો કે પ્રશાસન કોરોના સામે સતર્ક હોવાનું અને પૂરતા બેડ-ઓક્સીઝનની સુવિધા હોવાનું દાદરા નગર હવેલી કલેક્ટરે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું.
દાદરા નગર હવેલીમાં હાલ કુલ એક્ટિવ કેસ 199 છે. જ્યારે 276 કેસ રિકવર થયા છે. કુલ કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 198 થઈ છે. તો, સંઘપ્રદેશ દમણમાં પણ નવા 19 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેની સામે 12 દર્દીઓ સાજા થતા તેને ઘરે રવાના કરાયા હતાં. દમણમાં 158 એક્ટિવ કેસ છે. તો, 358 કેસ રિકવર થયા છે. કુલ કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 115 પર પહોંચી છે.