- વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેકટ રો રો ફેરી ડચકા ખાતાં ચાલી રહી છે
- 15 દિવસથી હવે મેઇન્ટનન્સના વાંકે બંધ અને પ્રજા ફરીને સુરત જવા મજબૂર
- સાંસદે કહ્યું રો રો બંધ નહીં થાય ઓગસ્ટના અંત સુધીમાં થશે શરૂ
- 2014થી પેસેન્જર રોરો, 2018માં રોપેક્ષ વાહનની રોરો શરૂ થયા પછી વિઘ્નો
ભાવનગરઃ શહેરવાસીઓને સુરત સાથે જોડવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ સીએમ પદના સમયમાં ડ્રીમ પ્રોજેકટ ઘોઘા દહેજ રો રો ફેરીનો પ્રારંભ કર્યો હતો. પેસેન્જર શિપ બાદ હેવી રોપેક્ષ શરૂ થયા પછી માટીનો કાંપ, રોપેક્ષ જહાજની ક્ષતિઓ વચ્ચે ફેરી આશરે 8 વખત બંધ રહી છે અને હાલમાં પણ મેઇન્ટનન્સના કારણે છેલ્લા 15 દિવસથી બંધ છે. જો કે હાલમાં ફેરી હજીરા શરૂ થઈ હતી જે લોકો માટે આશીર્વાદરૂપ હતી કારણ કે લોકો સીધા સુરત સાથે જોડાયા હતાં. પરંતુ સરકારે હાલમાં રો રો બંધ હોય ત્યારે સુરતની ટ્રેન શરૂ કરતાં અટકળો ઉભી થઇ છે કે ફેરી શરૂ થશે કે કેમ ?
મેઇન્ટનન્સના કારણે બંધ ફેરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઘોઘા દહેજ રો રો ફેરી સર્વિસ ડ્રીમ પ્રોજેકટ છે. 300 કરોડનો પ્રોજેકટ 600 કરોડે પહોંચ્યો છતાં સરકારે સાકાર કર્યો. પણ વિઘ્નરૂપે ક્યાંક જહાજ બંધ પડવાના તો દરિયાઈ કાંપ ભરાવાને કારણે ચાલુ બંધ થતો રહ્યો છે હાલમાં છેલ્લા 15 દિવસથી રો રો ફેરી મેઇન્ટનન્સના કારણે બંધ છે.
રો રો ફેરીનો પ્રારંભ અને આવેલા વિઘ્નો વચ્ચે ડ્રીમ પ્રોજેકટ
ભારતને જળ માર્ગે જોડવામાં આવે તો અનેક પરિવહનક્ષેત્રે ફાયદો અને ચીજોના ભાવ પર નિયંત્રણ આવી શકે છે માટે ભાજપની રાજ્ય સરકારે 2014માં પૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રૂમ પ્રોજેકટ ગુજરાતના બે દરિયાઈ કાંઠાને જોડવા માટે અમલમાં લાવવામાં આવ્યો હતો. 2014માં ખાતમુહૂર્ત થયા બાદ 300 કરોડનું કદ વધીને 600 કરોડ થયું અને ઘોઘા દહેજમાં જેટી બનાવાઈ અને 22 ઓક્ટોમ્બર 2017ના રોજ વડાપ્રધાને રો રો ફેરીનો પ્રારંભ કર્યો હતો. જો કે આ પ્રોજેકટ માલસામાન અને લોકોના પરિવહન માટે હતો પણ વિવાદ વચ્ચે સરકારે ડ્રીમ પ્રોજેકટને લોકો અવનજવન કરી શકે તે માટે નાના પેસેન્જર શિપ 2017માં શરૂ કરીને પ્રારંભ કરી દીધો હતો. જ્યારે 2018માં સીએમ વિજય રૂપાણીએ વાહનો જઇ શકે તે રોપેક્ષ ફેરીનો પ્રારંભ કરાવ્યો હતો.