- ભાવનગરમાં ખાદ્યપદાર્થોની ચકાસણી કરવા કોઈ સુવિધા નહીં
- તહેવારોમાં સેમ્પલ લીધા બાદ રિપોર્ટ ત્યારે આવે વેચાણ થઈ ગયેલું હોય
- મહાનગરપાલિકાએ હાલમાં 130 સેમ્પલ બે મહિનામાં લીધા જેમાં એક ફેઈલ
- પ્રિયા ગોલ્ડ બિસ્કિટનું સેમ્પલ ફેલ ત્યારે તહેવારોમાં કેટલા સેમ્પલ લેવાશે
ભાવનગરઃ શહેરમાં તહેવારોને પગલે મીઠાઈ, ફરસાણ સહિતની ખાદ્યપદાર્થોને પગલે સાવચેત રહેવું જરૂરી છે અને મહાનગરપાલિકાએ ભેળસેળ મામલે સજાગ રહેવું હિતાવહ છે. ત્યારે મહાનગરપાલિકાએ કરેલી કામગીરીમાં સેમ્પલો લેવાયા છે અને નજર રાખવામાં આવી રહી છે.
તહેવાર નિમિતે શહેરમાં ફરસાણ મીઠાઈની દુકાનમાં લોકોની કતાર
ભાવનગર શહેરમાં રક્ષાબંધન બાદમાં સાતમ આઠમમાં જન્માષ્ટમી જેવા તહેવારો આવી રહ્યા છે ત્યારે ખાણીપીણીના શોખીન ભાવેણાવાસીઓ તહેવારોમાં મીઠાઈ ફરસાણ આરોગવાનું ચૂકતા નથી. તહેવાર માથે છે તેવામાં આરોગ્યની સુખાકારી માટે પ્રજાની ધ્યાન રાખવાનું કામ મહાનગરપાલિકાનું છે. ત્યારે હાલમાં પણ લાગતી કતારમાં મહાનગરપાલિકા શું ધ્યાન આપી રહી છે તેવો સવાલ ઉભો જરૂર થાય છે. જો કે મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ બે મહિનામાં કરેલા કામોને ગણાવ્યા છે અને હાલમાં પણ કામગીરી ચાલુ હોવાનું જણાવી રહ્યા છે.