ભાવનગર: ભાવનગરમાં અનલોક 2ના પ્રારંભ બાદ કોરોના સંક્રમણ વધતા કોરોના કેસની સંખ્યા 1093 પર પહોંચી છે. ગુરુવારે 39 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે પરંતુ તેના નામ જાહેર ન થતા તંત્ર ફરીવાર વાસ્તવિકતા પર ઢાંકપિછોડો કરી રહ્યું હોવાના શહેરીજનો આક્ષેપ કરી રહ્યા છે.
શહેરની હોસ્પિટલોમાં કોરોના આઈસોલેશન વોર્ડ ધીમે-ધીમે ભરાઇ રહ્યા છે. શહેરમાં દરરોજ ઓછામાં ઓછા 20થી 30 કોરોના કેસ નોંધાતા હોય છે. જેને પગલે લોકોમાં ચિંતા અને ભયનો માહોલ છવાયો છે.
થોડા સમય પહેલા તંત્ર દ્વારા અગાઉ ગણતરીમાં રહી ગયેલા 26 કેસ જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ તેમની હાલની પરિસ્થિતિ, તેઓ કેવીરીતે સંક્રમિત થયા, ટ્રાવેલ હિસ્ટ્રી વગેરે વિગતોનો ખુલાસો કરવામાં આવ્યો નથી. આવી પરિસ્થિતિમાં કોરોના પોઝિટિવ કેસની ગણતરીમાં તંત્ર દ્વારા ભયંકર ગોટાળા કરવામાં આવી રહ્યા હોવાની પણ ચર્ચા થઈ રહી છે.
ભાવનગર સર ટી હોસ્પિટલમાં તબીબોની ટીમ દ્વારા ત્રણ માસથી લઈને 92 વર્ષ સુધીના દર્દીઓને સ્વસ્થ કરવામાં આવ્યા છે. ભાવનગરમાં અત્યાર સુધીમાં 650 દર્દીઓ સ્વસ્થ થયા છે. તો 21 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. સર ટી હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોના આઇસોલેશનમાં હાલમાં આશરે 415 જેટલા દર્દીઓ હજુ પણ સારવાર લઈ રહ્યા છે.
ભાવનગરમાં કોરોનાની સ્થિતિને પગલે પોલીસ દ્વારા માસ્ક ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે. સાથે-સાથે લોકોને અંતર રાખવા અને હાથ વારંવાર ધોતા રહેવાની સલાહો પણ આપવામાં આવી રહી છે.