- લોકતંત્રમાં કોઇપણ પાર્ટી ક્યાંયથી પણ ચૂંટણી લડી શકે
- કોંગ્રેસ નબળી પડી છે એટલે તેનું સ્થાન લેવા અન્ય પાર્ટીઓ ગુજરાતમાં આવી છે
- ભાજપ પોતાના કાર્યો થકી ચૂંટણીઓમાં વિજય મેળવશે
અમદાવાદઃ હૈદરાબાદની રાજકીય પાર્ટી AIMIM એ BTP સાથે ગઠબંધન કરીને ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઝંપલાવ્યું છે. AIMIM અમદાવાદના લઘુમતીઓના વોર્ડમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણી લડવાનું છે, જ્યારે ભરૂચમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં તે ભાગ લેશે. ગઈકાલે રવિવારે AIMIMના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીએ અમદાવાદમાં જાહેર સભા સંબોધી હતી.
કોંગ્રેસ નબળી પડી હોવાથી AIMIM બીજા નંબરનું સ્થાન લેવા ગુજરાતમાં આવી છે ગુજરાતમાં 70 ટકા લોકો ભાજપને વોટ આપશે : યમલ વ્યાસ
આ અંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસે કહ્યું કે, લોકતંત્રમાં કોઈપણ પાર્ટી ક્યાંયથી પણ ચૂંટણી લડી શકે છે, તે ગુજરાતમાં આવીને પણ ચૂંટણી લડી શકે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ગત 25 વર્ષમાં ગુજરાતમાં વિકાસના કાર્યો કર્યા છે. ગત 5 વર્ષથી પણ ભાજપના કાર્યકરો લોકોની વચ્ચે ગયા છે, ભાજપ આ સંબંધ પર જ આ ચૂંટણીઓ જીતશે. ગુજરાતના 70 ટકા લોકો ભાજપને જ વોટ આપશે.
બીજા નંબરનું સ્થાન લેવા અન્ય રાજકીય પાર્ટીઓ ગુજરાતમાં આવી રહી છે
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પહેલા નંબરની પાર્ટી રહી છે. કોંગ્રેસ ખૂબ જ નબળી પડી ચૂકી છે. જેથી ગુજરાતમાં પોતાનું વર્ચસ્વ જમાવવા બીજી પાર્ટીઓ આવી રહી છે. તે કોંગ્રેસના બીજા નંબરનું પદ મેળવી શકે છે.