- 3 જૂનના રોજ થાય છે World Bicycle Dayની ઉજવણી
- યુવાનો સહિત ધનિક પરિવારો પણ સાઇકલિંગ તરફ વળ્યા
- સૌપ્રથમ સાઇકલ ઈ.સ.1816માં પર્શિયન કારીગરે બનાવી હતી
અમદાવાદ: લોકો અંતર કાપવા માટે સાઇકલનો ઉપયોગ કરવા પ્રેરાય છે. ખાસ કરીને શહેરોમાં જો બાઈક અથવા અન્ય ડીઝલ-પેટ્રોલ આધારિત વાહનોને બદલે સાઇકલનો ઉપયોગ કરવામાં આવે તો દરરોજ હજારો લિટર પેટ્રોલનો વપરાશ ટાળી શકાય છે અને શહેરોમાં પ્રદુષણનું પ્રમાણ પણ ઘટાડી શકાય છે. ખાસ કરીને કોરોનાના સમયગાળામાં સાઇકલનું મહત્ત્વ વધી ગયું છે. આ સામાજિક અંતરને પણ અનુસરશે અને લોકો સુરક્ષિત પણ રહેશે. આવો આ વિશેષ દિવસના ઇતિહાસ અને સાઇકલના ફાયદા વિશે પણ થોડુંક જાણીએ...
ક્યારે સત્તાવાર રીતે World Bicycle Day ની જાહેરાત કરાઈ ?
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રથમ સત્તાવાર World Bicycle Day ને 3 જૂન 2018 ના રોજ ઉજવવામાં આવ્યું હતું. ભારતમાં પણ આ દિવસ છેલ્લા બે વર્ષથી ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે. આ પરિવહન માટે એક સરળ વ્યાજબી વિશ્વસનીય અને વાતાવરણની સુરક્ષા અને પ્રોત્સાહિત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કોરોનાના સમયમાં આ દિવસનું મહત્વ પહેલાં કરતાં ઘણું વધી ગયું છે.
સાઇકલનો રસપ્રદ ઇતિહાસ
યુરોપિયન દેશોમાં સાઇકલનો ઉપયોગ કરવાનો વિચાર 18મી સદીના અંતમાં જ લોકોના મગજમાં આવી ગયો હતો. જોકે પ્રથમ વર્ષ 1816માં પર્શિયન કારીગરે તેને એક આકૃતિનું રૂપ આપ્યું હતું અને તેને ' હોબી હોર્સ ' એટલે કે ' લાકડીનો ઘોડો ' કહેવામાં આવતું હતું. પગ વડે ચલાવાતા પેડલવાળા વ્હિલની શોધ 1865માં પેરિસના લાલીમેન્ટે કરી હતી. જેને વેલોસીપીડ કહેવાય છે. તેને ચલાવવામાં ખૂબ જ થાક લાગતો હોવાથી તેને હાડતોડ પણ કહેવાય છે.
આ પણ વાંચો : વિશ્વ સાયકલ ડે :સુરતમાં 200 જેટલી બેકાર સાયકલમાંથી સકલ્પચર તૈયાર કરવામાં આવ્યું
ભારતમાં સાઇકલનો ઈતિહાસ
ભારતમાં સાઇકલે આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આઝાદી પછી ઘણા દાયકાઓ સુધી સાઇકલ ટ્રાફિકનો મહત્વનો ભાગ રહ્યો હતો. 1960 થી 1990 ના દાયકા સુધી ભારતમાં મોટાભાગના પરિવારો પાસે સાઇકલ હતી. સાઇકલને લોકો એક મહત્વપૂર્ણ અને વ્યાજબી સાધન તરીકે ગણતા હતા. બીજી તરફ કેટલાક પરિવારોમાં સાઇકલ રોજીરોટીનો પણ સાધન રહેલું હતું. ગામડાઓમાં ખેડૂતો માટે બજાર સુધી પાકને પહોંચાડવાનું સાધન સાઇકલ રહ્યું હતું અને તે આજે પણ ક્યાંક જોવા મળી રહ્યું છે. આજે પણ દૂધ વેચનારાઓ માટેનું એક મહત્વપૂર્ણ સાધન સાઇકલ જ છે. તે જ રીતે શ્રમિકો માટે પણ ઉત્તમ વાહન સાઇકલ માનવામાં આવે છે. ભારતીય ટપાલ ખાતાની સમગ્ર સિસ્ટમ પણ સાઇકલથી જ ચાલતી હતી. આજે પણ પોસ્ટમેન સાઇકલ દ્વારા પત્રોની વહેંચણી કરવા જતા નજરે પડી રહ્યા છે.
સાઇકલ ચલાવવાના ફાયદા
- દરરોજ અડધો કલાક સાઇકલ ચલાવવાથી સ્થૂળતા ખાસ કરીને પેટની ચરબી ઓછી થાય છે.
- દરરોજ સવારે સાઇકલ ચલાવવાથી તાજી હવા પણ મળે છે અને ફિટનેસ જળવાઈ રહે છે
- નિષ્ણાતો જણાવે છે કે, સાઇકલ ચલાવવાથી રોગપ્રતિકારક શક્તિ પણ સારી રહે છે
- એક અહેવાલ મુજબ સાઇકલ ચલાવવાથી ઇમ્યુનિટી સેલ્સ એક્ટિવ થાય છે અને રોગનું જોખમ ઘટાડે છે
- એક શોધ મુજબ રોજ 30 મિનિટ સાઇકલ ચલાવવાથી મગજ સામાન્ય લોકો કરતાં વધુ સક્રિય રહે છે
- સાઇકલમાં ડીઝલ અને પેટ્રોલની જરૂર ન પડતી હોવાથી ઈંધણનો ખર્ચ બચી જાય છે અને સ્વાસ્થ્ય પણ જળવાય છે
- સાઇકલથી પ્રદૂષણ ફેલાતું નથી અને પર્યાવરણ માટે પણ અનુકૂળ જોવા મળી છે
આ પણ વાંચો : આંધ્ર પ્રદેશના રિસર્ચરે બનાવી 150 કિલો વજનનું વહન કરતી ઇ-સાઇકલ
સાઇકલના વેપારીઓની World Bicycle Day ના રોજ કેટલીક માગ
World Bicycle Day ના રોજ અમદાવાદના સૌથી જૂના સાઇકલ માર્કેટ પંચકૂવામાં સાઇકલનું વેચાણ ધૂમ ચાલી રહ્યું છે. જેનું કારણ કોરોના મહામારીના કારણે લોકો રોગપ્રતિકારક શક્તિ વધારવા સાઇકલિંગ કરતા હોય છે. જોકે બીજી તરફ વેપારીઓનું કહેવું છે કે, સરકાર દ્વારા જે રીતે GST લાવવામાં આવ્યો છે. તેમાં નાના વર્ગના લોકો ખૂબ જ પીસાઈ રહ્યા છે. સાઇકલ એક એવી વસ્તુ છે. જેનાથી લોકોનું ગુજરાન ચાલતું હોય છે. જેથી સરકારે સાઇકલને GST ફ્રી કરી દેવી જોઈએ. જેનાથી વેપારીઓ અને ખરીદી કરનારાઓને ખૂબ જ સરળતા રહે છે.