ગુજરાત

gujarat

ETV Bharat / city

શું ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે ? - Will Gujarat Assembly elections be held soon

આગામી વર્ષે 2 ભાજપ શાષિત રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ત્યારે ડિસેમ્બર મહિનામાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરીમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી સાથે જ યોજાઈ જાય તેવી શક્યતા સેવાઈ રહી છે. જોકે, તેની પાછળ ક્યા સમીકરણો છે, તે જાણવા માટે વાંચો આ અહેવાલ...

શું ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે ?
શું ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે ?

By

Published : Jul 26, 2021, 7:47 PM IST

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ વહેલા યોજાવાની શક્યતાઓ છે ખરી ?
  • ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજાઈ શકે છે ગુજરાતની ચૂંટણી
  • બધુ જ કોરોનાની પરિસ્થિતિ પર નિર્ભર રહી શકે છે



અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર- 2022માં યોજાનારી ચૂંટણીઓ વહેલી યોજાય તેવી શક્યતાઓ છે. 2022માં ફેબ્રુઆરી મહિનાના અંતમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાનારી છે. તેની સાથે જ ગુજરાતની ચૂંટણીઓ 9 મહિના પહેલા યોજાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી છે. ઉત્તર પ્રદેશ વસ્તીની દ્રષ્ટિએ તેમજ સંસદમાં પ્રતિનિધિતવની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય છે. જોકે, આ બાબત કોરોનાની ત્રીજી લહેર ઉપર નિર્ભર રહેશે.

શું ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે ?

ચૂંટણીઓ વહેલું યોજવાનું કારણ

રાજકીય તજજ્ઞ દિલીપ ગોહિલે ETV Bharatને જણાવે છે કે, અત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને એક વર્ષથી વધુનો સમય બાકી છે, પરંતુ રાજકારણમાં કંઈ પણ શક્ય છે. જો કોરોનાની ત્રીજી લહેર આવે તો ચોક્કસ જ ઉત્તર પ્રદેશની ચૂંટણી પાછી ઠેલવાય તેમ છે. પરિણામે ગુજરાત સાથે ઉતરપ્રદેશની ચૂંટણી યોજાઈ શકે તેમ છે. ઉત્તર પ્રદેશ કેન્દ્રમાં સત્તા મેળવવા માટે મહત્વનું રાજ્ય હોવાથી તેના માટે મોટાપાયે ઇલેક્શન કેમ્પેઇનની જરૂર પડે તેમ છે. તેથી કેન્દ્રીય નેતાઓના પ્રચારનો વધુ લાભ ગુજરાતને પણ મળે તે હિસાબે પણ ગુજરાતની ચૂંટણીઓ વહેલી યોજાવાની શક્યતા છે.

ગુજરાતમાં આવતી અન્ય પાર્ટીઓ સેટ થાય તે પહેલાં ચૂંટણી યોજવી

આ વર્ષના શરૂઆતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભાજપને સારી એવી ટક્કર આપી છે. આમ આદમી પાર્ટીનું અત્યારે લોકો સુધી પહોંચવા માટે કેમ્પઈન પણ જોરશોરથી ચાલી રહ્યું છે. 2022માં તમામ 182 બેઠકો પરથી લડવાની તેમણે જાહેરાત કરી છે. ભાજપ અને કોંગ્રેસના લોકો પણ તેમાં જોડાઇ રહ્યા છે. જાતિવાદી સમીકરણો આમ આદમી પાર્ટી તરફ આવી રહ્યા છે. AIMIM અને મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસનું ગુજરાતમાં આગમન થયું છે. ત્યારે આ પાર્ટીઓ પોતાની પીચ ગુજરાતમાં સેટ કરે તે પહેલા ચૂંટણીઓ યોજાય તો ભાજપ ફાયદામાં રહે તેમ છે.

કોંગ્રેસની ખસતા હાલત

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને સારી એવી ટક્કર આપી હતી, પરંતુ વર્તમાનમાં કોંગ્રેસની ખસ્તા હાલત જોવા મળી રહી છે. વિરોધ પક્ષની ફરજો નિભાવવામાં કોંગ્રેસ ઢીલી પડી રહી છે. વિરોધ પક્ષના નેતા અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે તાજેતરમાં જ રાજીનામું આપ્યુ છે. નવા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી નથી. કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને પણ કાયમી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી નથી. આવા સમયે નબળી કોંગ્રેસને હાર આપવી તદ્દન સરળ બની રહે તેમ છે.

ભાજપમાં આંતરિક જૂથબંધી

ભાજપમાં કાર્યકરો વધતા સત્તા લાલસા વધે તે સામાન્ય બાબત છે. ટિકિટને લઈને પણ અસંતોષ થાય એ સમજી શકાય છે. આવા સમયે ભાજપના આંતરિક જૂથબંધી વધી રહી છે. તેવુ બને તે પહેલા ચૂંટણી યોજાય, તે ભાજપ માટે વધુ યોગ્ય રહે તેમ છે. બીજી તરફ ઉત્તર પ્રદેશની અને ગુજરાત બંને ભાજપ શાસિત રાજ્યો છે. તેમાં મોટાપાયે પ્રચાર કરવાથી લોકસભાની ચૂંટણી હોય તેવો માહોલ ઊભો થાય અને 2024ની ચૂંટણીઓ પહેલાં 2022માં ભાજપ કેસરિયો ફેલાવીને શક્તિ પ્રદર્શન પણ કરી શકે છે.

ચૂંટણીઓ ન યોજાય તેવી શક્યતાઓ કેટલી?

રાજકીય તજજ્ઞ હરેશ ઝાલાએ ઇયીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ પહેલેથી જ મજબૂત છે. 2017ની વિધાનસભાની ચુંટણીમાં પણ તેણે 99 સીટો મેળવી હતી. હવે પણ તે 110 સીટ થી મેળવી શકે તેમ છે. તેનાથી વધુ તેને ફાયદો થઇ શકે તેમ નથી. આથી વહેલી ચૂંટણી કરવાનો કોઈ મતલબ નથી. જો રાજ્યમાં સરકાર વિરુદ્ધ વલણ હોય અથવા તો રાજ્યમાં સરકારની ફેવરમાં લહેર દેખાતી હોય. તો જ વહેલી ચૂંટણી યોજાવાની શક્યતા છે, પણ તેવું કશું જ દેખાતું નથી. વળી તાજેતરની તમામ ચૂંટણીઓમાં ભાજપની જીત થઈ છે.

ઓક્સિજન અંગેના નિવેદનથી લોકો નારાજ

કોરોના કાળમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મોટાપાયે પ્રચારથી ભાજપ ઉપર માછલાં ધોવાયા હતા. વળી બીજી લહેરમાં સરકારની કામગીરી અને તાજેતરના ઓક્સિજનના મુદ્દા પરના નિવેદનથી લોકો નારાજ છે. ત્યારે સરકાર તેને લોકોના ધ્યાનમાંથી વિસરાવવા સમય લઈ શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details