- સીનીયર નેતાઓ વગર વિધાનસભાની ચૂંટણી જીતવી અશક્ય
- રૂપાણીની કેબિનેટના 11 પ્રધાનો સહિત કુલ 47 ધારાસભ્યો 60થી ઉપરના છે
- ભાજપને કોઈ પણ નેતાની નારાજગી પોષાય તેમ નથી
અમદાવાદ: ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે અમરેલીમાં કેન્દ્રિય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાના સન્માન સમારંભમાં કહ્યું હતું કે, ગુજરાત વિધાનસભામાં 60 વર્ષથી ઉપરનાને ટિકિટ અપાશે, જે નિયમ માત્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ કરાયો હતો, અને તેનાથી ફાયદો થયો હતો, પણ તેને વિધાનસભાની ચૂંટણીમાં લાગુ કરાશે નહી. આ નિવેદનથી ભાજપના સીનીયર નેતાઓ ખુશ થયા હતા, પણ તેની સામે યુવા નેતાઓ નારાજ થયા હતા. જો નો રીપીટ થીયરી અપનાવાય તો યુવાનોને તક મળે તેમ છે.
ગુજરાત વિધાનસભા જીતવા 60થી ઉપરના ટિકિટ આપવી જ પડશે, નિયમમાં ફેરફાર કેટલો ફાયદો કરાવશે? પાટીલને ખબર પડી ગઈ છે…
સી. આર. પાટીલને ખબર પડી ગઈ છે કે, સીનીયર નેતા વગર વિધાનસભા જીતી શકાય તેમ નથી. બીજુ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં જોરદાર કાઢુ કાઢયું છે, તેઓ છેલ્લા બે મહિનાથી લોકસંપર્ક કરી રહ્યા છે, ગામેગામ આમ આદમી પાર્ટીને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે, અને અનેક નેતાઓ અને કાર્યકરો આપમાં જોડાઈ રહ્યા છે. તેમજ ઔવેસીની પાર્ટી પણ વિધાનસભામાં ચૂંટણી લડવાની છે.
કોંગ્રેસની નબળાઈનો લાભ ‘આપ’ને મળશે
કોંગ્રેસમાં કોઈપણ પ્રકારનો મનમેળ દેખાતો નથી. નેતાગીરી જ નક્કી નથી. પ્રદેશ પ્રમુખ, વિપક્ષના નેતા, પ્રભારી કોણ બનશે અને કયારે બનશે તે હજુ સુધી નક્કી નથી. કોંગ્રેસના કાર્યકરોમાં કચવાટ છે, હાર્દિક પટેલ નારાજ છે. અનેક કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરો મોવડી મંડળના નિર્ણયોથી નારાજ છે. પણ કોંગ્રેસની નબળાઈનો લાભ આમ આદમી પાર્ટીને મળે તેવો માહોલ ઉભો થયો છે.
11 પ્રધાનો સહિત કુલ 47 ધારાસભ્યો 60 ઉપરના છે
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ભાજપ ડર્યું છે. જો વિધાનસભામાં 60થી ઉપરના ટિકિટ નહી અપાય તે નિયમ લાગુ કર્યો હોત તો હાલના 47 ધારાસભ્યો 60થી ઉપરના છે, તેમને ટિકિટ ન મળત. જો આમ થયું હોત 100 ટકા ટિકિટ માટે બળવો થયો હોત. હાલના રૂપાણી કેબિનેટના 11 પ્રધાનો સહિત 36 ધારાસભ્યો 60થી ઉપરની ઉંમરના છે. મુખ્યપ્રધાન રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસ્મા, આર સી ફળદુ, સૌરભ પટેલ, કુંવરજી બાવળિયા સહિતના પ્રધાનોને ટિકિટ ન મળત. ભાજપ પ્રદેશ પ્રમુખને વિધાનસભાની ચૂંટણી માટે નિયમમાં ફેરફાર કરવો પડ્યો છે, સમય આવે પરિવર્તન કરવું જ પડે. સામે વિકલ્પ પણ મજબૂત છે, જેથી ભાજપે નમતુ જોખીને નિયમોમાં ફેરફાર કરવો જ પડે. આમ સી આર પાટીલને પોતાનું અક્કડ વલણ ત્યાગીને છૂટછાટ આપવી પડી છે.
મોદીને હોમ સ્ટેટમાં હરાવવા અન્ય પક્ષો ભેગા થશે
ગુજરાતએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ છે, જેથી તમામ પ્રાદેશિક પક્ષોની નજર ગુજરાત પર છે. તમામ વિરોધી પક્ષોને એવું છે કે મોદીના હોમ સ્ટેટમાં જઈને આપણે જીતીયે અને મોદીના ઘરમાં જ ભાજપને હરાવીએ. માયાવતીની બહુજન સમાજ પાર્ટી, મમતા બેનર્જિની ટીએમસી પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવા તૈયારીઓ કરી રહ્યા છે, અને રણનીતિ બનાવી રહ્યા છે.
ભાજપે ચૂંટણીનો મુદ્દો બદલવો પડશે?
2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 99 બેઠક જીતીને સંતોષ માનવો પડ્યો હતો. તે વર્ષે કોંગ્રેસનો દેખાવ સારો રહ્યો હતો. પણ હવે 2022માં ત્રીજો પણ મજબૂત વિકલ્પ ઉભો થયો છે. જેથી ભાજપે સાવધાન થવું જ પડશે. નહી તો 2022માં 99 બેઠકો પણ નહી આવે. આમ આદમી પાર્ટીએ ભષ્ટ્રાચાર અને અણઘડ વહીવટનો મુદ્દો ઉઠાવ્યો છે. ભાજપના મોટા જાહેર કાર્યક્રમોમાં પ્રજાના નાણા વેડફાય છે, તેવા આક્ષેપ સાથે તેઓ લોકસંપર્ક કરી રહ્યા છે. આની સામે ભાજપ એલર્ટ થઈને ભષ્ટ્રાચાર પર સ્પષ્ટતા કરવાની જરૂર છે. અને વિકાસના એક મુદ્દા પર ચૂંટણી જીતવી પણ અશક્ય દેખાય છે, તેમણે ચૂંટણીનો મુદ્દો બદલવો પડશે.
‘ઘરડા જ ગાડા વાળે’ તે કહેવત યથાર્થ છે
પાટીલ હવે સમજી ગયા છે કે 2022માં ઘરડા વગર ગાડુ વાળી શકાય તેમ નથી, તેમણે સીનીયર નેતાઓનો સાથ લઈને જ ચૂંટણી જીતવી પડશે. અને સીનીયર નેતાઓનો અસંતોષ પાર્ટીને ભારે પડી શકે તેમ છે. વર્ષોથી ચૂંટણી જીતવાનો અનુભવ પણ છે, સીનીયર તેનાઓ પ્રજાના મતને કેમ ભાજપ તરફ વાળી શકાય તે સારી રીતે જાણે છે.
પાટીલ પોતાના પગ પર કુહાડી શું કામ મારશે- રાજકીય તજજ્ઞ
રાજકીય તજજ્ઞ હરેશ ઝાલાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ઉમેદવાર પસંદગીની પ્રક્રિયામાં હર વખતે ક્યા નેતાને કાપવા ક્યાં જૂથના નેતાની ટિકિટ કાપવી તે નક્કી થતું હોય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે ભાજપ અધ્યક્ષે જણાવ્યું હતું કે, યુવા નેતા જોઈએ છે, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં આ નીતિ નિયમ ન લગાવી શકે તે છે. કારણકે ભાજપ અધ્યક્ષ 60 વર્ષથી ઉપરના છે. તો બીજી તરફ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, અન્ય ધારાસભ્યો જેવા ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી.ફળદુ અનેક લોકો પોતાના પગ પર કુહાડી તો મારી શકે તેમ નથી, એટલે વિધાનસભા 2022ના ઇલેક્શનમાં નો રિપીટ અને 60 વર્ષથી વધુ ઉંમરની થિયરી ભાજપ ન લગાવી શકે તે બાબત સ્પષ્ટ છે. તો બીજી તરફ ભાજપ ગુજરાતમાં બે ચહેરાથી ચૂંટણી લડી રહ્યું છે. જેમાં એક રામ મંદિર તો બીજો નરેન્દ્ર મોદી આ બન્ને ચહેરા પર તેઓ ચૂંટણી જીતી રહ્યા છે. ગુજરાતમાં ભાજપના મતો પણ આ બન્ને ચહેરા લોકપ્રિય હોવાના કારણે નિશ્ચિત રહેલા છે. જેથી રૂપાણી કે પાટીલના ચહેરા પર ગુજરાતમાં ચૂંટણી નથી લડી શકતી.