અમદાવાદ : ગુજરાત વિધાનસભા 2022ની (Gujarat Assembly Election 2022) ચૂંટણી પહેલા ભાજપ દ્વારા ચિંતન શિબિર (BJP Chintan Shivir 2022) અને પ્રદેશ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ કારોબારીમાં નક્કી થયા પ્રમાણે કેન્દ્ર સરકાર 30 મે ના રોજ પોતાના આઠ વર્ષ પૂરા થઈ રહ્યા છે. તેના કાર્યો લોકોની વચ્ચે લઇ જવામાં આવશે. તો બીજી તરફ ગુજરાત સરકારમાં 2002થી 2022 સુધીના કાર્યોને ભાજપ ચૂંટણી પ્રચારનો મુદ્દો (BJP Issues Assembly Elections) બનાવશે તેવું લાગી રહ્યું છે.
વડાપ્રધાનના ચેહરા અને કાર્યો -સામાન્ય રીતે ચૂંટણીઓમાં સરકાર પોતે છેલ્લા પાંચ (BJP Five Year Work) વર્ષમાં કરેલા કાર્યોનું સરવૈયું આપે છે. પરંતુ, ભાજપે 2002 થી 2012 સુધી રાજ્ય સરકારના કાર્યો લોકો સુધી લઈ જવાની વાત કરી છે. 2002 થી 2014 સુધી ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી રહ્યા છે. તેવી જ રીતે 2014થી વર્તમાન સુધી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રહ્યા છે. એટલે કે, ભાજપ નરેન્દ્ર મોદીના ચહેરા અને તેમના કાર્યોને લોકો વચ્ચે લઇ જઇને ચૂંટણીઓ જીતવા માગે છે. ગુજરાત ભાજપ પાસે એવો કોઈ ચહેરો કે કાર્યકર નથી જેના આધારે તેઓ 150થી વધુ બેઠકો મેળવી શકે.
આ પણ વાંચો :બે દિવસીય ચિંતન બેઠક બાદ જીતુ વાઘાણીએ ચૂંટણીને લઈને કરી દીધી આ મહત્ત્વની સ્પષ્ટતા, હાર્દિક અંગે...
કયા મુદ્દાને લઇને ભાજપ મત માંગશે - (1)રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હતા. તેમાંથી ઘણા વિદ્યાર્થીઓ ગુજરાતના હતા. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પ્રયત્નોથી ઓપરેશન ગંગા મિશન અંતર્ગત અન્ય રાજ્યોના અને ગુજરાતના વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી સહી-સલામત બહાર લાવીને ઘર સુધી પહોંચાડવામાં આવ્યા છે. (2) ગુજરાતમાં આદિવાસીઓની માંગ પર તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટ સરકાર દ્વારા રદ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ થકી ગુજરાતના અનેક જિલ્લાઓમાં પીવાના પાણીની સમસ્યા હલ કરવાની યોજના હતી. પરંતુ પ્રોજેક્ટ દ્વારા આદિવાસીઓની જમીન પાણીમાં ગરકાવ થતી હોવાથી તેમણે મોટા પાયે આ પ્રોજેક્ટ રદ કરવા આંદોલન છેડ્યું હતું. છેવટે ગુજરાત સરકાર દ્વારા વડાપ્રધાન સમક્ષ રજૂઆત થતાં આ પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો હતો. (3) ગુજરાત ભાજપ દ્વારા સુપોષણ અભિયાન યોજવામાં આવ્યું હતું. જેમાં ડૉક્ટર સેલ અને મહિલા મોરચા દ્વારા 90 દિવસમાં 13 લાખ પરિવારોનો સંપર્ક કરી બાળકોને પોષણયુક્ત આહાર આપવામાં આવ્યો છે. (4) કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી કિસાન ફસલ વીમા યોજના, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જેવી યોજનાઓ લોકોની વચ્ચે લઇ જવામાં આવશે અને (5) કોરોના કાળમાં કેન્દ્ર સરકારના સહયોગથી સ્વદેશી રસીઓ વિસ્તારવામાં આવી અને સમયની સાથે ભારતમાં કરોડો લોકોને વિનામૂલ્યે રસીના બે ડોઝ આપવામાં આવ્યા. પરિણામે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર રોકવામાં સફળતા મળી.
આ પણ વાંચો :Command And Control Centerનું નામ બદલાવતા ગોપાલ ઈટાલિયાનો ભાજપ પર પ્રહાર, કહ્યું -"કરવાનું કંઈ નહીં, નામ બદલી દેવાનું"
આ ઉપરાંત અન્ય મહત્વના મુદ્દા -કોરોના કાળમાં 80 કરોડ લોકોને અપાયેલ મફત અનાજ, જનધન યોજના, મુદ્રા લોન યોજના, મેક ઇન ઇન્ડિયા, પ્રધાનમંત્રી આયુષમાન યોજના, રામ મંદિર, કાશી વિશ્વનાથ કોરિડોર, સૌની યોજના, જન ગુજરાતમાં રેલ, રસ્તા, બ્રિજ, ઈન્ડસ્ટ્રીયલ પાર્ક જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ, માં અમૃતમ કાર્ડ વગેરે મુદા ભાજપના રહેશે, ત્યારે હવે જોવું રહ્યું કે વિધાનસભાની ચૂંટણી પર ભાજપની સીટો કેટલે અટકે છે.