અમદાવાદઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એકતરફ મોટી સંખ્યામાં દર્દીઓના મોત નીપજ્યાં છે ત્યાં મર્યાદિત વેન્ટિલેટરની સ્થિતિ આરોગ્ય સુવિધા પર ઘણાં પ્રશ્નો ઉભા કરે છે. 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં માત્ર 180 વેન્ટિલેટર ઉપલબ્ધ છે. કોરોના વધતા કેસને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટની જસ્ટિસ જે.બી. પારડીવાલાની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેંચે યુ.એન. મહેતા, કિડની હોસ્પિટલ સહિત જૂની વી.એસ. હોસ્પિટલને કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાની ટકોર કરી હતી. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે આદેશ બાદ વહીવટી તંત્ર દ્વારા યુ.એન. મહેતા હોસ્પિટલ અને કિડની હોસ્પિટલમાં કોરોના દર્દીઓને દાખલ કરવાની તૈયારીઓ કરાઈ રહી છે. યૂ.એન.મહેતામાં 269, કિડની હોસ્પિટલમાં 202, GCRIમાં 206, બાપુનગર ESICમાં કોરોના દર્દીઓ માટે 56 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે જૂની વી.એસ. હોસ્પિટલમાં પણ કોરોનાની સારવાર ઉપલબ્ધ કરાશે કે કેમ એ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી.
અમદાવાદ સિવિલ કોવિડ હોસ્પિટલમાં માત્ર 25 જેટલા પલ્મોનોલોજિસ્ટ ઉપલબ્ધ
કોરોના મૂળ ફેફસાં સબંધિત બીમારી છે અને તેના મૂળ સ્પેશ્યલિસ્ટને પલ્મોનોલોજિસ્ટ કહેવામાં આવે છે. 1200 બેડની અમદાવાદ સિવિલ કોવિડ હોસ્પિટલમાં માત્ર 5 પલ્મોનોલોજિસ્ટ અને ખાનગી હોસ્પિટલમાંથી બોલાવવામાં આવતાં 20 જેટલા પલ્મોનોજિસ્ટ આમ કુલ 25 પલ્મોનોલોજિસ્ટ કાર્યરત છે જે દર 2-3 દર કલાકમાં દર્દીઓની સારવાર માટે વોર્ડમાં રાઉન્ડ મારે છે. કોવિડ હોસ્પિટલમાં કુલ 25 વોર્ડ આવેલા છે અને દરેક વોર્ડમાં દર્દીઓના બેડ વચ્ચે 6 ફૂટ ગેપની વ્યવસ્થા કરાઈ છે. દર્દીઓને સિલ્વર સ્ટાર હોટલમાંથી દિવસમાં 8 વાર સપ્લીમેન્ટ આપવામાં આવતો હોવાનો સરકારે દાવો કર્યો છે.
ધમણ-1ના ઉપયોગ અંગે માહિતી આપવામાં આવી નથી - કોંગ્રેસ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં થતાં મોત માટે પ્રાથમિક વેન્ટિલેટર ધમણ-1ને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. 26મી મેના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અમિત ચાવડા અને તેમની પાર્ટીના ધારાસભ્યો સિવિલ કોવિડ હોસ્પિટલના ઓએસ઼ડી ડૉ. એમ.એમ પ્રભાકરની એપોઇન્ટમેન્ટ લીધી હોવા છતાં તેમની સાથે મુલાકાત કરી નથી. કોંગ્રેસનો આક્ષેપ છે કે 04 એપ્રિલ થી 15 મે સુધીમાં કેટલા દર્દીઓની સારવારમાં ધમણ-1નો ઉપયોગ કરાયો છે તેની વિગતો વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી નથી. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વેન્ટિલેટર ધમણ-1નો ઉપયોગ હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે જોકે જરૂર પડશે તો ઉપયોગ કરી શકાય છે. કોંગ્રેસ ગુજરાતમાં કોરોના ફેલાવવા પાછળ મોદી-ટ્રમ્પના નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને જવાબદાર માની રહી છે અને આ મુદ્દે ટૂંક સમયમાં હાઈકોર્ટમાં રિટ દાખલ કરશે.
ક્રિટિકલ બેડ વધુ હોવાથી 11 કન્ટેનમેન્ટ વિસ્તારના મોટાભાગના દર્દીઓને સિવિલમાં દાખલ કરાયાં