- આજે 16 માર્ચ રાષ્ટ્રીય વેક્સિન દિવસ
- સિવિલમાં ત્રણ પેઢીએ એક સાથે કોરોનાની રસી લીધી
- આ ત્રણ પેઢીએ રસી સલામત હોવાનો આપ્યો સંદેશ
અમદાવાદઃ રાષ્ટ્રીય રસીકરણ દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી (પીડિયાટ્રીક સર્જરી) વિભાગના ડૉક્ટર જયશ્રી રામજીએ પોતાના 90 વર્ષના દાદા-દાદી અને 70 વર્ષના પિતાનું રસીકરણ કરાવીને સમાજ સમક્ષ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે અને કોરોનાની રસી સલામત હોવાનો સંદેશો પાઠવ્યો છે. સમાજમાં અનેક લોકો રસી લેવામાં ગભરાટ અનુભવે છે, ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબની ત્રણ પેઢીએ કોરોના રસીકરણ કરાવીને સમાજમાં ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. મહિલા તબીબે તેમની ત્રણ પેઢીના સભ્યોને કોરોનાની રસી અપાવી લોકોને કોરોનાની રસી સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનો સંદેશ આપ્યો છે.
90 વર્ષના દાદા-દાદીને રસીકરણ કરાયું
43 વર્ષના ડૉ.જયશ્રી રામજીએ કોરોનાની રસી લીધી, તેમણે પિતા(70 વર્ષ) એસ.રામજીને રસી અપાવી હતી. તેમ જ 91 વર્ષના દાદા સહસ્રરાનામન અને 90 વર્ષના દાદી બાલમબાલ સહસ્રરાનામનને પણ રસી અપાવી છે. કોરોના રસીકરણ કરાવ્યા બાદ પ્રતિભાવ આપતા ડૉ. જયશ્રી રામજીએ કહ્યું કે, રાષ્ટ્રીય રસીકરણ દિવસે અમારી ત્રણ પેઢીએ એક સાથે વેક્સિન લીધી છે. તેનો મને આનંદ છે. મારા દાદા-દાદી 90 વર્ષના હોવાથી વેક્સિન આપતા પહેલા સિવિલના તબીબોનું માર્ગદર્શન મેળવ્યું હતુ. વેક્સિન બાદ બધાને ઓબ્ઝર્વેશનમાં રખાયા હતા અને કોઇને રસીની આડઅસર વર્તાઇ નથી.
આપણ વાંચોઃસુરતમાં સી.આર.પાટીલના જન્મદિનની ઉજવણી, 67 નિરાશ્રિતોને કોરોનાની રસી અપાઈ
10,405 વ્યક્તિઓને રસીકરણનો પ્રથમ ડોઝ અપાયો છે
રાષ્ટ્રીય રસીકરણ દિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. જે. વી. મોદી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના રસીકરણની કરવામાં આવેલી કામગીરીનો ચિતાર આપતા કહે છે કે, અમદાવાદ સિવિલમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કોરોના રસીકરણની શરૂઆત કરાવવામાં આવી ત્યારથી આજદિન સુધી અમારા રસીકરણ કેન્દ્રમાં 10,405 વ્યક્તિઓને રસીકરણનો પ્રથમ ડોઝ જ્યારે 5,358 વ્યક્તિઓને કોરોના રસીકરણનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જેમાં 984 જેટલા વરિષ્ઠ નાગરિકો, 538 કોમોર્બિડ દર્દીઓને કોરોના રસીકરણનો ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 9,748 જેટલા હેલ્થકેર વર્કરો અને 4,493 જેટલા કોરોના ફ્રંટલાઇન વર્કરોને પણ અભેદ સુરક્ષા કવચ પુરૂ પાડવામાં આવ્યું છે.