અમદાવાદ: શહેરના વાડજ વિસ્તારમાં તુષાર રાઠોડ નામનો યુવક તેની માતા અને બહેન સાથે ભાડેના મકાનમાં રહે છે. તુષારની માતાએ વર્ષ 2011માં મોહન નામના વ્યક્તિ સાથે બીજા લગ્ન કર્યા હતા. જે બાદ તુષારની માતાને તેના સાવકા પિતા સાથે મનમેળ ન હોવાથી તેઓ અલગ રહેતા હતા, પરંતુ તેના પિતા દ્વારા તેની માતાને ત્રાસ આપતા હોવાથી બે મહિના અગાઉ તુષારની માતાએ તેના સાવકા પિતા ઘરેલુ હિંસાની ફરિયાદ પણ નોંધાવી હતી.
અમદાવાદ: સાવકા પિતાના ત્રાસથી યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો - ahmedabad
અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં પોતાના સાવકા પિતાના ત્રાસથી યુવકે ફિનાઈલ પીને આપઘાતનો પ્રયત્ન કર્યો હતો. જો કે, યુવક સારવાર દરમિયાન સ્વસ્થ થઈ જતા પોલીસે યુવકની ફરિયાદ નોધીં કાર્યવાહી હાથ ધરી છે.
અગાઉની ફરિયાદને લઈને તુષારના સાવકા પિતા મોહનભાઈ અવારનવાર તુષારને હેરાન પરેશાન કરતા હતા અને તેની સાથે મારઝૂડ પણ કરતા હતા, ત્યારે બે દિવસ અગાઉ તુષારના સાવકા પિતાએ તેને અગાઉની ફરિયાદમાં સમાધાન કરવા માટે કહ્યું હતું અને જો સમાધાન નહીં કરે તો તુષાર અને તેની માતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ અંગે લાગી આવતા તુષારે પોતાના પિતાના ત્રાસ અને ધમકીથી પોતાના ઘર પાસે ફિનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તુષારને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની યોગ્ય સારવાર કરીને તે સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યો હતો. આ સમગ્ર મામલે તુષારે વાડજ પોલીસ સ્ટેશનમાં પોતાના સાવકા પિતા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો, જે મામલે વાડજ પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.