અમદાવાદ: પ્રદેશ ભાજપ અધ્યક્ષે ખેડૂત અગ્રણીઓ સાથે બેઠક યોજી - Ahmedabad
આજરોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાની ઉપસ્થિતિમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રદેશ ભાજપ કિસાન મોરચાની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, ભાજપ કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી રજની પટેલ, પ્રદેશ કિસાન મોરચાના પ્રભારી જયંતી કવાડીયા, ભાજપા કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ બાબુ જેબલીયા, કિસાન મોરચાના અન્ય પદાધિકારીઓ, APMCના ચેરમેન, ખેડૂત અગ્રણીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
● ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
● દેશને સ્વતંત્રતા મળ્યાના સાત દાયકા બાદ કૃષિ સુધારાઓનો અમલ
● કોંગ્રેસ સહિતના વિરોધપક્ષો ખેડૂતોને ગેરમાર્ગે દોરી, ખોટી ભ્રમણા ફેલાવી રહ્યા છે: સી.આર. પાટીલ
અમદાવાદ: ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, દેશને સ્વતંત્રતા મળ્યાના સાત દાયકા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના અન્નદાતા એવા કરોડો ખેડૂતોની આવક બમણી કરવાની નેમ સાથે કૃષિ સુધારાઓને અમલમાં મુકી ખેડૂતોને તેમના ઉત્પાદનના વેચાણ અંગે સ્વતંત્રતા આપી વૈકલ્પિક સુવિધાઓ પ્રદાન કરી છે. ત્યારે કોંગ્રેસ સહિતના વિરોધપક્ષો ખેડૂતોને ગેરમાર્ગે દોરી, ખોટી ભ્રમણાઓ ફેલાવી, દેશના શાંતિપૂર્ણ વાતાવરણને ડહોળવાના બદઈરાદા સાથે ખેડૂતોના હિતમાં અમલમાં મુકાયેલા કૃષિ કાયદાઓ બાબતે રાજકીય રોટલા શેકી, કેન્દ્ર સરકારને બદનામ કરવાના કુપ્રયાસો કરી રહ્યાં છે.