- ધનવંતરી કોવિડ હોસ્પિટલની બહારના ભાગમાં મોટી નુકસાની
- 100 મીટર નજીક જ ભરાયું પાણીનું તળાવ
- ડોમ, અને હેલ્પ ડેસ્ક તેમજ હોસ્ડિંગને થઇ મોટી નુકસાની
અમદાવાદઃ તૌકતે વાવાઝોડાને લઇને રાજયના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ વાવાઝોડાને લઇને મોટી નુકસાની થઇ છે. GMDC ગ્રાઉન્ડમાં ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં શરૂ કરવામાં આવેલી ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં પણ નુકસાની સામે આવી છે. તો GMDC ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાતા તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે.
તૌકતેની તબાહી: ધનવંતરી કોવિડ હોસ્પિટલની બાજુમાં જ ભરાયું તળાવ, આસપારમાં ઝાડ પણ પડ્યા હોસ્પિટલમાં આવી રહેલા લોકોને હાલાકી
DRDO અને ગુજરાત સરકારના સહયોગથી શરૂ કરવામાં આવેલી ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં તૌકતે વાવાઝોડાને લઇને બહારના ભાગમાં મોટી નુકસાની આવી પડી હતી. પોલીસ વિભાગના અધિકારીઓ, કોવિડ હેલ્પ ડેસ્ક, અને ખાનગી સંસ્થાના સિક્યોરિટી ગાર્ડને બેસવા માટે ઉભા કરવામાં આવેલા ડોમ હવામાં ઉડ્યા હતા અને ધરાશાયી થયા હતા. જેમની સાથે સાથે ગેટ પાસે રસ્તા પર પાણી ભરાતા દર્દીઓ અને વાહનચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હોસ્પિટલની નજીક 100 મીટર દૂર જ GMDC ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે. જેને લઇને ગ્રાઉન્ડમાં RT-PCR ટેસ્ટની પણ કામગીરી બંધ કરી દેવામાં આવી છે. પાણી ભરાતા લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો સાથે સાથે હોસ્પિટલના કમ્પાઉન્ડમાં રહેલા ઝાડ પણ પડી ભાંગ્યા છે.