છેતરપિંડી કેસમાં ભાર્ગવી શાહ સામેની ત્રણેય FIRમાં હાઈકોર્ટે જામીન મંજુર કર્યા છે. હાઈકોર્ટમાં જસ્ટીસ એ. વાય. કોગ્જ સમક્ષ ભાર્ગવી શાહના વકીલ અનિક તિમ્બલિયાએ દલીલ કરી હતી કે, ભાર્ગવી શાહ માત્ર કાગળ પર કંપનીના ડિરેક્ટર છે. પરતું સમગ્ર વ્યવહાર અને સંચાલન મુખ્ય આરોપી વિનય શાહ દ્વારા કરવામાં આવતું હતું. વિનય શાહની પત્ની હોવાથી તેને સમગ્ર કેસમાં સંડોવવામાં આવી છે. ભાર્ગવી શાહે એક પણ રૂપિયો લીધો નથી. વિનય શાહની પત્ની હોવાથી તેને લાંબા સમયથી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવી છે. આ કેસમાં પોલીસ તપાસ પૂર્ણ થઈ ચુકી છે, અને ચાર્જશીટ પણ દાખલ થઈ ગઈ હોવાથી તેને જામીન આપવામાં આવે. હાઈકોર્ટે અરજદાર ભાર્ગવી શાહના વકીલ અનિક તિમ્બલિયાની દલીલને માન્ય રાખીને ત્રણેય ગુનામાં જામીન મંજૂર કર્યા હતા.
શહેરના વસ્ત્રાપુર અને નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ત્રણ FIR સામે દાખલ કરાયેલી ભાર્ગવી શાહની જામીન અરજી હાઈકોર્ટે મંજૂર કરી દીધી છે. અગાઉ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી પોલીસ ફરિયાદમાં હાઈકોર્ટે ભાર્ગવીના જામીન મંજુર કર્યા હતા. હવે ભાર્ગવી શાહ સામે દાખલ થયેલી તમામ પોલીસ ફરિયાદમાં તેને જામીન મળ્યા છે. હાઈકોર્ટે ભાર્ગવી શાહના તમામ ગુનામાં જામીન મંજૂર કરતા, હવે તે પોલીસ કસ્ટડીમાંથી મુક્ત થશે. ભાર્ગવી શાહ વિરૂધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ અને નિકોલમાં એક આમ કુલ 4 પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.