અમદાવાદ: બોર્ડની પરીક્ષા આપનારા દરેક વિદ્યાર્થી પરિણામની રાહ જોઈને બેઠા હોય છે. પરિણામના આધારે વિદ્યાર્થીઓ આભ્યાસમાં આગળ શું કરવું તેની પસંદગી કરતા હોય છે. ચાલુ વર્ષનું ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ સતાવાર રીતે બોર્ડની વેબસાઇટ પર જાહેર થયું છે. આ પરિણામ જોતાની સાથે સાણંદના એક વિદ્યાર્થીને ધ્રાસકો લાગ્યો હતો. કારણ કે, આ વિદ્યાર્થીએ 7 વિષયની પરીક્ષા આપી હતી, છતાં તેને 2 વિષયમાં ગેરહાજર બતાવવામાં આવ્યો છે.
શિક્ષણ બોર્ડની ઘોર બેદરકારી, 7 વિષયની પરીક્ષા આપનારા વિદ્યાર્થીને 2માં બતાવ્યો ગેરહાજર - શિક્ષણ બોર્ડની ઘોર બેદરકારી
ધોરણ -12 સામાન્ય પ્રવાહનું ગુજરાત બોર્ડનું પરિણામ સોમવારે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીએ 7 વિષયની પરીક્ષા આપી હોવા છતાં બોર્ડની બેદરકારીના કારણે માત્ર 5 વિષયનું જ પરિણામ આપવામાં આવ્યું છે, જ્યારે બાકીના 2 વિષયમાં વિદ્યાર્થીને ગેરહાજર બતાવવામાં આવ્યો છે.
ભાર્ગવ ત્રિવેદી નામના વિદ્યાર્થીએ તમામ વિષયની પરિક્ષા આપી હતી. આ અંગે ભાર્ગવના પરીક્ષાના પ્રવેશ પત્રમાં નોંધ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત સુપરવાઈઝરે પરીક્ષા પ્રવેશ પત્રમાં સહી પણ કરી છે, છતાં પરિણામમાં ભાર્ગવને આંકડાશાસ્ત્ર અને નામાના મૂળતત્વોમાં ગેરહાજર બતાવવામાં આવ્યો છે.
ભાર્ગવ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે, આ બન્ને વિષયની પરીક્ષાના દિવસે ભાર્ગવને અલગ સ્થળે બેસાડવામાં આવ્યો હતો. જેથી તેને આ 2 વિષયમાં ગેરહાજર બતાવવામાં આવ્યો છે. આ ઉપરાંત આ અંગે સ્કૂલ અને DEO કચેરીમાં જાણ કરવામાં આવી છે.