કોરોના કાળમાં ખાનગી શાળાઓની ફી મામલે સરકારે યોગ્ય પગલાં ભર્યાં : ભરત પંડ્યા - ભરત પંડ્યા
ભાજપા પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, પ્રવર્તમાન કોરોનાવાયરસ મહામારીની પરિસ્થિતિને અનુલક્ષીને મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ રાજ્યના વિદ્યાર્થીઓ વાલીઓ તેમ જ શિક્ષકોના હિતમાં અનેક પગલાં ભર્યા છે, ભાજપા રાજ્યની સંવેદનશીલ રાજ્ય સરકારના આ અંગે કરેલા નિર્ણયોને આવકારે છે.
અમદાવાદઃ ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે કોરોના મહામારીના કારણે શાળાઓ વાસ્તવિક રીતે બંધ થઈ તે સમયગાળાથી શરૂ કરીને શાળાઓ વાસ્તવિક રીતે પુન: શરૂ થાય તે સમયગાળા સુધી કોઈપણ પ્રકારની ટ્યુશન ફી કે ઈત્તર પ્રવૃત્તિની ફી પણ સ્વનિર્ભર શાળા વસૂલી શકશે નહીં, જો કોઈ વાલીએ એડવાન્સ ફી ભરી હશે તો સ્વનિર્ભર શાળાઓએ તેઓને આગામી સમયમાં ભરવાની થતી ફી સાથે વધારાની રકમ સરભર કરી આપવાની રહેશે.તેમ જ રાજ્યની કોઇપણ શાળા ફી ન ભરવાના કારણે કોઈપણ વિદ્યાર્થીનું એડમિશન કૅન્સલ કરી શકશે નહીં.તેમજ શૈક્ષણિક વર્ષ 2020-21 માટે કોઈપણ શાળા પોતાની ફીમાં વધારો નહીં કરી શકે.તેવો નિર્ણય લીધો છે, જે રાજ્ય સરકારની વાલીઓ અને વિદ્યાર્થીઓ પ્રત્યેની સંવેદના દર્શાવે છે.