- એન્જીનીયરના અભ્યાસ બાદ શરૂ કર્યો ચા નો વ્યવસાય
- ચા ને ગણાવે છે રાષ્ટ્રીય પીણું
- ચા વહેંચીને બનવા માંગે છે એક સફળ બિઝનેસમેન
અમદાવાદઃ 15 ડિસેમ્બરે વિશ્વ ચા દિવસે અમદાવાદમાં એક નવા જ પ્રકારની ચાની કીટલી પર ETV ભારતની નજર પડી હતી. જ્યાં એક યુવાને ખૂબ જ ભણ્યા બાદ એન્જીનીયરની ડીગ્રી મેળવીને આપણા દેશ માં ચા એ સૌ માટેનો પ્રથમ પ્રેમ હોય છે, તેવું કહીને ચા ની કીટલી શરૂ કરી છે. અમદાવાદના મેઘાણીનગરમાં રહેતા ઇલેક્ટ્રિકલ એન્જીનીયરનો અભ્યાસ પૂર્ણ કરનારા રોનક રાજ દ્વારા શહેરના સુભાષબ્રિજ પાસે એક નાનકડી ચાની કીટલીનું સ્ટાર્ટઅપ શરૂ કર્યુ છે.
ક્યાય પણ નોકરી ન મળતા ચા ની કીટલી શરૂ કરી
તેઓનું કહેવું છે કે, આપણા દેશમાં ચા પીવા માટેનો કોઈપણ સમય મર્યાદિત નથી. લોકોને ગમે ત્યારે ચા ની તલબ લાગતી હોય છે. ત્યારે એન્જીનીયનો અભ્યાસ પૂરો કર્યા બાદ ઘણી બધી જગ્યાએ નોકરી માટે મહેનત કરી અને સરકારી પરીક્ષાઓમાં પણ નસીબ અજમાવ્યું છતાં કોઈપણ જગ્યાએ હજી સારી નોકરી મળી નથી, ઘરની પરિસ્થિતિ પણ એટલી બધી સારી ના હોવા છતાં માતા પિતાએ ખૂબ સારી રીતે ભાઈઓ અને બહેનને ભણાવ્યા છે, ત્યારે હાલમાં આ કોરોનાના સમયમાં ઘર ચલાવી શકાય અને માતા પિતાને થોડો સહયોગ આપી શકાય તે હેતુથી આ ચા ની કીટલી શરૂ કરી છે.