- ભારતની મેચ હોય ત્યારે જ્યોતિષીઓ પાસે ઇન્કવાયરી પાંચથી દસ ગણી વધી જાય છે
- ટોસ કોણ જીતશે તે જાણવા માટે રૂપિયા 5,000 ફી થાય છે
- ભારત- પાકિસ્તાનની મેચના પરિણામ જાણવા 5 ગણી ઇન્કવાયરી વધી જાય છે
- દેશ અને ખેલાડીઓનો કોસ્મો પાવર ઇન્ડેક્ષ કાઢી જ્યોતિષીઓ કરે છે ભવિષ્યવાણી
અમદાવાદ: ક્રિકેટનો ક્રેઝ અમદાવાદમાં અને ગુજરાતમાં એટલો છે કે, ક્રિકેટ રસિયાઓ મેચના prediction માટે જ્યોતિષીઓ પાસેથી મદદ મેળવી રહ્યા છે. એક મેચનું પરિણામ જાણવા માટે જ્યોતિષીઓ પાસે રૂપિયા 5,000 સુધીના કે તેનાથી વધુ નાણાં ક્રિકેટ રસિયાઓ ચૂકવી રહ્યા છે. કેટલાક જ્યોતિષીય તો એક જ સવાલનો જવાબ જ્યોતિષના હિસાબથી આપવા માટે 5000 રૂપિયા લેતા હોય છે. જેમાં સટોડિયાઓ પણ બાકાત નથી રહેતા. તેઓ પણ સટ્ટો જીતવા માટે જ્યોતિષીઓને પુછે છે. તેમાં પણ ભારતની મેચ હોય ત્યારે ક્રિકેટ રસિયાઓની ઇન્કવાયરી પાંચથી દસ ગણી વધી જતી હોય છે. જ્યારે પણ ક્રિકેટ વર્લ્ડ કપ હોય છે, ત્યારે જ્યોતિષીઓ પાસે ઇન્કવાયરી રાજ્યભરમાંથી નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ આવતી હોય છે. પ્રીડીક્ટર અને જ્યોતિષ આચાર્ય એવા મૌલિક ભટ્ટે કહ્યું, "અમારી પાસે જેટલા પણ લોકો ઇન્કવાયરી માટે ફોન કરતા હોય છે તેઓ ક્રિકેટ રસિકો હોય છે. પરિણામ જાણવાની કુતૂહલ ધરાવતા આ રસીકો અમને ફોન કરતા હોય છે."
ક્રિકેટના પરિણામ જાણવા મુંડન એસ્ટ્રોલોજીના નિષ્ણાત જ્યોતિષીઓના સંપર્ક રહે છે ક્રિકેટ રસિયાઓ
પ્રીડીક્ટર અને જ્યોતિષ આચાર્ય એવા મૌલિક ભટ્ટે કહ્યું કે "જ્યોતિષનો સંબંધ ભવિષ્યવાણી સાથે છે. ક્રિકેટમાં આવનાર સમય, આઉટકમ શું હશે તે તમામ બાબતો જ્યોતિષની જાણકારીના હિસાબથી જાણી શકાય છે. ક્રિકેટની ભવિષ્યવાણીના સંબંધમાં પણ જ્યોતિષનું ઘણું મહત્વ રહેલું છે. ક્રિકેટમાં મુંડન એસ્ટ્રોલોજીના નિષ્ણાત જ્યોતિષીઓ આ કહી શકે છે. જેથી તેમના સંપર્ક ક્રિકેટ રસિયાઓ રહેતા હોય છે અને ક્રિકેટ પ્રીડીક્શન અંગે પૂછતા હોય છે. જેના અલગ-અલગ પેકેજ હોય છે. આ T- 20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. જેમાં 50 હજારથી લઈ 2 લાખ સુધીના પેકેજ તમામ મેચના પરિણામ જાણવા માટેના છે."
આ સવાલો મેચ પહેલા જ્યોતિષીઓને પૂછવામાં આવે છે
મૌલિક ભટ્ટે કહ્યું કે, "કયો પ્લેયર સારું પર્ફોર્મ કરી શકશે, મેચનું પરિણામ કેવું રહેશે, કોણ જીતશે, કોણ હારશે, શું મેચમાં કોઈ રસાકસી જોવા મળશે કે નહીં, કયો પ્લેયર પરફોર્મ નહીં કરી શકે, એ તમામ પ્રકારના સવાલો જ્યોતિષીઓ પાસેથી ક્રિકેટ રસિકો જાણવાનો પ્રયત્ન કરતા હોય છે."