અમદાવાદઃ રક્ષાબંધનના પર્વને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાઈ-બહેનના પ્રેમના પ્રતીક સમાન પર્વ રક્ષાબંધન માટે બહેનોની બજારમાં રાખડી ખરીદવા માટે આ વખતે ભીડ ઓછી જોવા મળી રહી છે. કોરોના મહામારીને પગલે રાખડી લેવા માટે બજારોમાં લોકોની ભીડ દર વર્ષ કરતા ઓછી ભીડ જોવા મળી રહી છે. આ વર્ષે માર્કેટમાં કોરોનાથી લોકોનું રક્ષણ થાય તેવા સ્લોગન સાથેની રાખડી મળી રહી છે. આ પ્રકારની રાખડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.
કોરોના મહામારી વચ્ચે અલગ અલગ સ્લોગન સાથે બજારમાં આવી અવનવી રાખડીઓ
કોરોના મહામારી વચ્ચે તહેવારોની ઉજવણીની રીત પણ બદલાઈ છે. રક્ષાબંધનનો તહેવાર નજીકના સમયમાં આવી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરના એક વેપારીએ રાખડી દ્વારા લોકોને સાંપ્રત સંદેશ પાઠવ્યો છે. કોરોના મહામારી વચ્ચે માર્કેટમાં ખરીદી માટે ભીડ ઓછી જોવા મળશે. જેની ખોટ ઓનલાઈન માર્કેટ પૂરી કરે તેવી શક્યતા છે.
રક્ષાબંધનનો પર્વ ગરીબ હોય કે શ્રીમંત પરંતુ તમામ બહેનો પોતાના ભાઈને રક્ષા માટે આ દિવસે હાથમાં રાખડી બાંધીને તેમની સુરક્ષા થાય અને આયુષ્ય વધે તે માટે પ્રાર્થના કરતી હોય છે. બજારમાં મહિનાઓ પહેલાથી અવનવી રાખડીની વેરાયટી જોવા મળતી હોય છે અને સમયની સાથે રાખડીના સ્વરૂપ પણ બદલાતા હોય છે. હાલ બજારમાં કોરોના મહામારીને પહોંચી વળવા માટે માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું તેવા સ્લોગન સાથેની રાખડી જોવા મળી રહી છે. આ સાથે જ ચાઇનાની વસ્તુઓ પર પ્રતિબંધ મૂકી આત્મનિર્ભર બનો તેવા સ્લોગન સાથેની પણ રાખડીઓ બજારમાં ઉપલ્બ્ધ છે.
છેલ્લા 40 વર્ષથી રાખડી વેચતા ઈકબાલભાઈ જણાવે છે કે, દર વર્ષ કરતાં આ વર્ષે ધંધો 50 ટકા જ થયો છે, પરંતુ આ વખતે અમે આ કોરોના મહામારીમાં લોકોને કોરોના વિશે વધું સજાગ બને તેવા હેતુથી અલગ અલગ સ્લોગન વાળી રાખડી તૈયાર કરી છે.