અમદાવાદઃ કોરોના વાયરસના સંદર્ભમાં હાલ અનલોક-4 ચાલે છે. કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની ગાઈડલાઈન્સ છે, તે જનતાએ પાળવાની છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન, માસ્ક પહેરવાનું, 50 લોકોથી વધુ કોઈએ ભેગા નહી થવાનું, સામાજિક મેળાવડા, ધાર્મિક કાર્યક્રમો બધુ બંધ છે. જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખે આવા કોઈ નિયમોનું પાલન જ કર્યું નથી. સીએમ, ડેપ્યુટી સીએમ, આરોગ્ય વિભાગ, પોલીસ, જિલ્લા કલેક્ટર કોઈને ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન દેખાયું જ નહી.
પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ જ્યારે પ્રમુખપદે નિમાયા ત્યારે તેમણે સુરતમાં સ્વાગત રેલી કાઢવાની જાહેરાત કરી હતી, રાજકીય રીતે જોરદાર વિરોધ થયો એટલે પાટીલે સમયસૂચકતા વાપરીને આ સ્વાગત રેલી રદ કરી હતી. પણ ત્યાર બાદ પાટિલે સૌરાષ્ટ્રનો ચાર દિવસના પ્રવાસ કરવાની જાહેરાત કરી હતી. સોમનાથ મહાદેવના દર્શન કરીને કાર્યકર્તાઓ સાથે બેઠકો કરી હતી. સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન કોરોનાની ગાઈડલાઈન્સનું જરાય પાલન થયું ન હતું.
સી આર પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન રાજકોટમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટમાં સી. આર.ની રેલી બાદ ભાજપના ધારાસભ્યો અને સાંસદ કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા, જેમાં પ્રથમ રાજકોટના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીને ત્યારબાદ મેયર બીનાબેન આચાર્ય, રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને ધારાસભ્ય ગોવિંદ પટેલ કોરોના સંક્રમિત થયા હતા.
એક સપ્તાહ પછી પાટીલે અંબાજી મંદિરે દર્શન કરીને ઉત્તર ગુજરાતના પ્રવાસની જાહેરાત કરી હતી. અંબાજી મંદિર બંધ હતું, ત્યાં પણ પાટીલનો પ્રવાસ કાર્યક્રમ હતો એટલે અંબાજી મંદિર એક દિવસ વહેલું ખોલી નાંખવામાં આવ્યું હતું. પાર્ટી પ્રેસિડેન્ટ આવે એટલે સ્વભાવિક છે કે ભાજપના સ્થાનિક નેતાઓએ હાજરી આપવી જ પડે. બધા કાર્યકરો સાથે બેઠક, સ્વાગત કાર્યક્રમ, ફોટો સેશન થઈ, અને હવે કોરોના વાયરસથી સંક્રમિત થવાના સમાચારો ઉપરાછાપરી આવવા લાગ્યા છે.
ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયા કોરોના સંક્રમિત થયાના સમાચાર આવ્યા, તેમની પહેલા અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ અને તેમના પત્ની કોરોના પોઝિટિવ થયા. અને કમલમ કાર્યાલયમાં તો 7 કર્મચારીઓ કોરોના પોઝિટિવ તો હતા જ. બપોર પછી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પોતે કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આવ્યા હતા. જો કે તેમણે સત્તાવાર ટ્વીટ કરીને માહિતી આપી છે કે એન્ટીજન ટેસ્ટમાં તેમનો રીપોર્ટ નેગેટિવ આવ્યો છે, પણ આરટી-પીસીઆરનો રીપોર્ટ પેન્ડિંગ છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે પાટીલનો રીપોર્ટ નેગેટિવ આવે. પણ કોરોના વાયરસની ગંભીરતને ધ્યાને લીધી હોત તો કોરોના વાયરસ આટલો બધો ફેલાયો ન હોત.