અમદાવાદઃ કૃષિ બિલનો ચારેકોરથી વિરોધ થતા મોદી સરકાર દ્વારા સોશિયલ મીડિયા પર તેની જોગવાઈઓની ચર્ચા શરૂ કરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ કૃષિ બિલને ખેડૂતો માટે રક્ષા કવચ ગણાવ્યું છે અને ખેડૂતોનો જે વિરોધ છે, તે મુદ્દે કહ્યું છે તે એપીએમસી બંધ થવાની નથી અને એમસીપી ચાલુ રહેશે. તેમ છતાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીના આશ્વાસન છતાં વિરોધ પક્ષો અને ખેડૂતો દ્વારા આંદોલન છેડાયું છે.
કૃષિ બિલના અમલથી APMCનો મૃત્યુઘંટ વાગી જશેઃ કૃષિ ક્ષેત્રના નિષ્ણાતો સાથે વિશેષ ચર્ચા - આર્થિક જગતના નિષ્ણાતો
કેન્દ્ર સરકારે લોકસભા અને રાજ્યસભામાં કૃષિ બિલ પસાર કરી દીધું છે, જો કે, કૃષિ બિલનો ચારેય તરફથી વિરોધ થઈ રહ્યો છે. વિપક્ષોએ સંસદમાં ધમાલ મચાવી છે અને 7 સાંસદ સભ્યોને સપ્તાહ માટે સસ્પેન્ડ કર્યા છે. આ કૃષિ બિલનો શા માટે વિરોધ થઈ રહ્યો છે, આ વિષય પર ETV Bharat Gujaratના બ્યૂરો ચીફ ભરત પંચાલે જાણીતા અર્થશાસ્ત્રી પ્રોફેસર હેમંતકુમાર શાહ અને ખેડૂત સમાજ- ગુજરાતના પ્રમુખ જયેશ પટેલ સાથે ચર્ચા કરી છે, તો આવો જોઈએ આ ચર્ચા...
આર્થિક ઉદારીકરણ પછી 2020માં કૃષિ ક્ષેત્રે ઉદારીકરણ શરૂ થયું છે. કૃષિ ક્ષેત્રે સુધારા જરૂરી હતા અને ખેડૂતોને ચોક્કસ વળતરના દ્વાર ખૂલશે. તેમ છતાં આ વાતને ખેડૂતો સ્વીકારવા તૈયાર નથી. કોન્ટ્રેક્ટ ફાર્મિંગથી વિદેશી કંપની અથવા તો દેશની કંપનીઓ ખેતીવાડી ક્ષેત્રમાં પ્રવેશ કરશે. ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં મોદી સરકાર પગલા લઈ રહી છે, પણ ખેડૂત સમાજ તેનો વિરોધ કરી રહ્યું છે. ખેડૂતો અને આર્થિક જગતના નિષ્ણાતોને ડર છે કે, લાંબાગાળે એપીએમસી બંધ થઈ જશે. કારણ કે, નવા કૃષિ બિલની જોગવાઈઓ અનુસાર ખેડૂતો ભારતના કોઈપણ બજારમાં માલ વેચી શકશે કે જ્યાં તેને ઊંચો ભાવ મળે છે. ટૂંકમાં વચેટિયાઓ નીકળી જશે.