અમદાવાદઃ શહેરના મોટાભાગના વિસ્તારોમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે. પોળ, સોસાયટીઓ, જાહેર માર્ગો પર કોઈ પણ સમયે રખડતા ઢોરના કારણે જીવલેણ અકસ્માતો સર્જાય છે. રખડતી ગાયો, બેકાબૂ આખલા કે કૂતરાને કાબૂમાં કરવા પૂરતા પ્રમાણમાં સાધનો અને આયોજનનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. સ્માર્ટ સિટી બનાવવા શહેરમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.
સ્માર્ટ સિટી અમદાવાદ રખડતા ઢોર પર નિયંત્રણ મેળવવામાં શૂન્ય
શહેરના મોટાભાગના વિસ્તારોમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે. પોળ, સોસાયટીઓ, જાહેર માર્ગો પર કોઈ પણ સમયે રખડતા ઢોરના કારણે જીવલેણ અકસ્માતો સર્જાય છે. રખડતી ગાયો, બેકાબૂ આખલા કે કૂતરાને કાબૂમાં કરવા પૂરતા પ્રમાણમાં સાધનો અને આયોજનનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. સ્માર્ટ સિટી અમદાવાદને રખડતાં ઢોરના નિયંત્રણ માટે મજબૂત પ્રોજેક્ટની જરુર હોય તેમ લાગી રહ્યું છે.
બીઆરટીએસ, રિવરફ્રન્ટ, મેટ્રો ટ્રેન, ફ્લાય ઓવર્સ જેવી અનેક યોજનાઓ માટે નિરંતર કામ ચાલ્યા જ કરે છે. બીજી તરફ સીજી રોડ જેવા માર્ગો તૈયાર કરવામાં કરોડો રુપિયાના ધૂમાડા થાય છે, પરંતુ આજ આધુનિક સીજી રોડ, એસ. જી. રોડ અને શહેરના નવા વિકસેલા કે જૂના વિસ્તારોમાં રખડતાં ઢોરના નિયંત્રણ માટે કોઈ ચોક્કસ આયોજન નથી. પશુઓને રખડતાં મૂકતા સ્થાપિત હિતો સામે પણ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી.
200 ફૂટ રિંગ રોડ સુધી વિકસેલા શહેરમાં રખડતાં ઢોરને કાબૂમાં લેવા માટે સાધનો અને સ્ટાફનો પણ અભાવ જોવા મળે છે. રખડતાં ઢોર પકડતાં વાહનો અને સ્ટાફ પર હુમલાના બનાવો પણ વધતા જાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રખડતા ભટકતા ઢોર પકડવાની ગાડી જે વિસ્તારોમાંથી પસાર થાય એની થોડી જ મિનિટમાં પશુઓ માર્ગો પર છોડી દેવામાં આવે છે. વર્લ્ડ હેરિટેજનો દરજ્જો પામેલા અમદાવાદ શહેરમાં હેપ્પી સ્ટ્રિટ, ફ્લાવર પાર્ક જેવા બ્યુટિફિકેશનવાળા પ્રોજેક્ટની સાથે રખડતાં ઢોરના નિયંત્રણ માટે પણ મજબૂત પ્રોજેક્ટની જરુર છે. કારણ, માર્ગો ઢોરના છાણ મૂત્ર સાથે ગમાણમાં ફેરવાઈ રહ્યા છે અને અસંખ્ય લોકો અકસ્માતોનો ભોગ બની રહ્યા છે.