- સીએમ રૂપાણી સહિત પ્રદેશ પ્રમુખે આવકાર આપ્યો
- કોંગ્રેસે પીએમ મોદીને નેમ ચેન્જર ગણાવ્યા
- શંકરસિંહ વાઘેલાએ મોદી સ્ટેડિયમનું નામ બદલવા કરી માંગ
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ કર્યું છે. ગુજરાત કોંગ્રેસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક વખતના સાથી શંકરસિંહ વાઘેલાએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ ફરીથી બદલીને કોઈ રમતગમતના ખેલાડીના નામ પર જાહેર કરવા માંગ કરી છે.
સરદાર પટેલ સ્ટેડિયમનું નામ ફેબ્રુઆરી 2020માં મોદી સ્ટેડિયમ થયું
ફેબ્રુઆરી, 2020માં અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલ સરદાર પટેલ સ્ટેડિયમ કે જે મોટેરા સ્ટેડિયમ તરીકે ઓળખાય છે, તેનું નામકરણ પીએમ મોદીના નામે કરાયું છે. મોદી ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ રહી ચુકયા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટુ સ્ટેડિયમ હોવાની નામના ધરાવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટ
સીએમ વિજય રૂપાણીએ નિર્ણયને વધાવ્યો
ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ ટ્વીટ કરીને પીએમ મોદીના નિર્ણયને વધાવ્યો હતો. રૂપાણીએ ટ્વીટ કરીને લખ્યું છે કે ખેલ રત્ન પુરસ્કારનું નામ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની સાથે જોડવાનો નિર્ણય દેશની આકાંક્ષાઓ અને ભાવનાઓનું સમ્માન છે. હું માનું છુ કે આ દેશના તમામ રમતના પ્રેમીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી તરફથી વધુ એક શાનદાર ભેટ છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું ટ્વિટ
પાટીલે પીએમ મોદીનો આભાર માન્યો
ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ટ્વીટ કરીને વડાપ્રધાન મોદીના નિર્ણયને બિરદાવ્યો હતો. પાટીલે ટ્વીટમાં લખ્યું છે કે મેજર ધ્યાનચંદે પોતાની અદભૂત રમતથી દુનિયાભરમાં ભારતને સિદ્ધિ અપાવી હતી. ભારતમાં ખેલ ક્ષેત્રમાં અપાતા અત્યંત પ્રતિષ્ઠિત એવા ખેલ રત્ન પુરસ્કારને મેજર ધ્યાનચંદનું નામ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
મોદી સ્ટેડિયમનું નામ બદલીને ખેલાડીઓના નામે કરો
પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા જયરાજસિંહ જાડેજાએ ETV Bharatને જણાવ્યું હતું કે દેશ બદલવા નીકળેલા લોકો દેશની ચિંતા કરવાના બદલે રોડ, રસ્તા, ગલીઓ, શહેર અને કોંગ્રેસે બનાવેલી યોજનાઓના નામ બદલીને હવે સંતોષ માણી રહ્યા છે. મોદીજી Game changer નહીં પણ Name changer બની રહી ગયા છે. રમત ગમતમાં દેશનું નામ રોશન કરનારનું નામ આપવું યોગ્ય જ છે, તો હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ વિશ્વકપ જીતાડનાર કપિલદેવ કે ધોની અથવા સચીન તેંડુલકર રાખી દેવું જોઈએ.
પૂર્વગ્રહયુક્ત નિર્ણય છે…
જયરાજસિંહે વધુમાં ઉમેર્યું હતું કે એક વાત કહું કે ખરેખર રમત ગમતના ખેલાડીઓના નામકરણ કરો એની સામે વાંધો ના હોઈ શકે પણ પૂર્વગ્રહયુક્ત નિર્ણયો દેશની જનતાને કઠે છે, ઉત્તરપ્રદેશના લખનૌમાં આવેલ ઇકાના સ્ટેડિયમનું અટલ બિહારી બાજપાઈ અને ફિરોઝશા કોટલા સ્ટેડિયમનું નામ અરુણ જેટલી કર્યું છે તો મોદીજી , બાજપાઈજી અને જેટલી એ શું 100 સદી, 1000 વિકેટ અને એક લાખ રન ફટકાર્યા છે?
શંકર સિંહ વાધેલાનું ટ્વિટ
શંકરસિંહ વાઘેલાનું ટ્વીટ
ગુજરાતના સીનીયર નેતા શંકરસિંહ વાઘેલાએ ટ્વીટ કરીને કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકારે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનું નામકરણ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન કર્યું છે. હું અપીલ કરી રહ્યો છું કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ ફરીથી સરદાર પટેલ સ્ટેડિયમ કરી દે.