અમદાવાદ : સંજીવ ભટ્ટ તરફથી NDPS કેસમાં પાલનપુર સ્પેશિયલ કોર્ટ દ્વારા વીડિયો કોન્ફરન્સિંગથી કેસ ન ચલાવવા અંગે કરાયેલી અરજી પર ગુજરાત હાઈકોર્ટે તેમના પાસેથી લેખિતમાં માંગ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન એ અન્ય કોઈ જામીન અરજી દાખલ કરશે નહીં. સંજીવ ભટ્ટ તરફથી આ અંગેનું સોગંદનામું રજૂ કર્યું હતું.
સંજીવ ભટ્ટ NDPS કેસમાં વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી ન કરવાનો હાઈકોર્ટનો આદેશ - સુમેરસિંહ રાજપૂત
વર્ષ 1996 પાલનપુર NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટની પાલનપુર ડિસ્ટ્રીકટ કોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ ટ્રાયલના આદેશને રદ્દ કરી ફિઝિકલ સુનાવણી દરમિયાન કેસ ચલાવવા માટે દાખલ કરાયેલી અરજીને બુધવારે ગુજરાત હાઈકોર્ટે માન્ય રાખી છે. હાઈકોર્ટે પાલનપુર સ્પેશિયલ કોર્ટને ટ્રાયલ ફિઝિકલ સુનાવણીથી કરવાની અરજી મંજૂર કરી છે.
અરજદાર પૂર્વ IPS સંજીવ ભટ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, તેમના કેસમાં ઘણા પાસાઓ છે અને સુનાવણી લાંબી ચાલતી હોવાથી તેઓ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે પોતાની વાત સારી રીતે રજૂ કરી શકશે નહીં. જેથી કરીને કોર્ટ શરૂ થાય ત્યાર પછી ફિઝિકલ સુનાવણી કરવામાં આવે તેવી માગ કરી હતી.
સંજીવ ભટ્ટની અરજી સામે રાજ્ય સરકારે વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે, અરજદાર કેસની ટ્રાયલમાં વિલંબ કરવા માટે આ રણનીતિ રમી રહ્યા છે અને ટ્રાયલમાં વિલંબનો લાભ લઇ ફરીવાર જામીન અરજી દાખલ કરશે. વર્ષ 1996ના કેસમાં ગુજરાત હાઈકોર્ટે કેસની તપાસ CID ક્રાઇમને સોંપ્યા બાદ જેમાં સુમેરસિંહ રાજપૂત પર 1.5 કિલો અફીણ રાખવાના કેસમાં સપ્ટેમ્બર 2018માં સંજીવ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી.