અમદાવાદ: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન પર 2 ઓક્ટોબરે શ્રમદાન બાદ સ્વચ્છતા પખવાડિયાને પૂર્ણ જાહેર કરાયું હતું. વિભાગીય રેલ્વે મેનેજર દિપકકુમાર ઝા, અધિક વિભાગીય રેલ્વે મેનેજર પરિમલ શિંદે અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ અને એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ દરમિયાન દિપકકુમાર ઝાએ પોતાના સંબોધનમાં પ્રવાસીઓને સ્વચ્છતા જાળવવા અને સ્વચ્છતામાં વધુ સુધારો કરવા માટે પોતાનું યોગદાન આપવા અપીલ કરી હતી. આ સમગ્ર પખવાડિયા દરમિયાન દરરોજ એક થીમનું આયોજન કરવામાં આવતું હતું અને આ સમયગાળામાં કુલ 40 ટન કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ તમામ કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં 5 ટન પ્લાસ્ટિક કચરો, 14 ટન સુકો કચરો અને 21 ટન ભીનો કચરો સામેલ હતો. આ સમયગાળા દરમિયાન પ્લાસ્ટિકના કચરાના નિકાલ માટે વધારાની ડસ્ટબિનની 250 જોડી ઉપલબ્ધ કરવામાં આવી હતી અને 'નો પ્લાસ્ટિક'ની થીમ પર કામ કરવામાં આવ્યું હતું.