- આજે મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ
- 6 મહાનગરપાલિકનું ચિત્ર થશે સ્પષ્ટ
- સૌથી વધુ જામનગર મહાનગરપાલિકામાં થયું હતું મતદાન
ન્યૂઝ ડેસ્ક: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રથમ 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન રવિવારે પૂર્ણ થયું હતું. ધારણાં કરતાં આ વખતે ખૂબ ઓછું મતદાન નોંધાયું હતું, જે રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય બન્યો હતો, ત્યારે આજે મંગળવારે આ 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે અને જાણવા મળશે કે, શહેરમાં કોની બનશે સરકાર?
6 મહાનગરપાલિકામાં સરેરાશ 42-43 ટકા મતદાન
ઉલ્લેખનીય છે કે, રવિવારે યોજાયેલી ચૂંટણીમાં આ વખતે સૌથી ઓછું સરેરાસ 42-43 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં અમદાવાદમાં સૌથી ઓછું અને જામનગરમાં સૌથી વધુ મતદાન નોંધાયું હતું.
6 મનપામાં મતદાનની ટકાવારી
- જામનગર 51.37 ટકા
- ભાવનગર 43.66 ટકા
- રાજકોટ 47.27 ટકા
- વડોદરા 43.53 ટકા
- સુરત 43.82 ટકા
- અમદાવાદ 38.73 ટકા
અમદાવાદ મહાનગરપાલિકા
અમદાવાદના 48 વોર્ડની 192 બેઠકમાં 771 ઉમેદવાર મેદાનમાં આવ્યા હતા. જેમાં ભાજપના 191 અને કોંગ્રેસના 188 ઉમેદવારો વચ્ચે મુખ્ય જંગ હતો. આ સાથે જ પ્રથમ વખત ગુજરાતમાં દાવ ખેલનારી AIMIM પાર્ટી પણ બેઠક જીતવામાં સફળ રહેવાનો IBનો રિપોર્ટ આવ્યો છે. આજે મંગળવારે આ તમામ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.
જામનગર મહાનગરપાલિકા
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 16 વોર્ડની 64 બેઠકો પર રવિવારે મતદાન યોજાયું હતું. આ મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવા માટે કુલ 3000 કર્મચારીને તૈનાત રાખવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જામનગરની 64 બેઠકો માટે 236 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.