ગત થોડા દિવસથી અમદાવાદના હાથીજણ ખાતે આવેલા નિત્યાનંદ આશ્રમ ખાતે બાળકોના ગુમ થવાના મામલે જે હોબાળો મચ્યો હતો. જેના અનુસંધાનમાં બુધવારે વિવેકાનંદ પોલીસ સ્ટેશન દ્વારા વહેલી સવારે નિત્યાનંદ આશ્રમની બે સંચાલિકાની પૂછપરછ કરવામાં આવી હતી અને પૂછપરછ દરમિયાન પહેલેથી જ પૂરાવા મળેલ હોવાના કારણે બંને સંચાલિકાની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ વધુ પૂછપરછ કરી શકાય કે, સત્ય શક્ય એટલું બધુ ઉજાગર કરી શકાય તે માટે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન દ્વારા તેમને મિરઝાપુર ખાતે આવેલી અમદાવાદ રૂરલ કોર્ટમાં રજૂ કરવા માટે લઈ જવામાં આવી હતી.
નિત્યાનંદ કેસ: આશ્રમની બે સંચાલિકાઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર - વિવેકાનંદ પોલીસ સ્ટેશન
અમદાવાદ: હાથીજણ ખાતે આવેલા નિત્યાનંદ આશ્રમમાં વિવાદ મામલે નિત્યાનંદ આશ્રમના બે સંચાલિકાઓની ધરપકડ કરી પુછપરછ માટે મિરઝાપુર ખાતે આવેલી અમદાવાદ રૂરલ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે બન્ને સંચાલિકાઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.
પોલીસ દ્વારા બંને સંચાલિકાઓના 10 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જેમાં, કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, નિત્યાનંદના યોગિની સર્વાજ્ઞપીઠમ આશ્રમમાં 4 બાળકોને ગોંધી રાખવા નિત્યાનંદ, પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વ વિરૂધ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ નોંધાયા બાદ પીડિત પરિવારને ધમકી મળતી હોવાના આક્ષેપ સાથે પોલીસ પ્રોટેક્શનની માગણી કરવામાં આવી હતી. અગાઉ પોલીસે બંને સંચાલિકાને આશ્રમ ન છોડવાની નોટિસ પાઠવી હતી. જ્યારે બુધવારે અમદાવાદ રૂરલ કોર્ટે બન્ને સંચાલિકાના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.