અમદાવાદ: કોરોના મહામારીને લીધે જારી કરાયેલા લૉકડાઉનને પગલે થયેલા આર્થિક નુકસાનને ધ્યાનમાં રાખીને વિવિધ ઉદ્યોગો દ્વારા વીજળીના ફિક્સ ચાર્જ માફ કરવામાં આવે તેવી માગ સાથે દાખલ કરાયેલી અરજી પર ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડને નોટિસ પાઠવી ખુલાસો માગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 30મી જૂનના રોજ હાથ ધરવામાં આવશે.
હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, કોરોના લૉકડાઉનને લીધે ઓછા ઉત્પાદન અને આર્થિક ખેંચતાણને ધ્યાનમાં રાખીને વીજ બિલ ભરવામાં 30મી જૂન સુધીની રાહત આપવામાં આવે. કે.બી. ઇસપ્ત પ્રાઈવેટ લિમિટેડ સહિત 10 કંપનીઓ દ્વારા અરજી દાખલ કરવામાં આવી છે.
વીજળીના બિલમાં ફિક્સ ચાર્જ માફ કરવાની માગ સાથે ઉદ્યોગોની હાઈકોર્ટમાં રિટ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે અગાઉ પણ 27મી માર્ચના રોજ રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં વીજ ઉપભોગતાઓને 15મી એપ્રિલ સુધી વીજ બિલ ભરવામાં રાહત આપવામાં આવી હતી. સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે, તેમના વીજનું જોડાણ કપાશે નહિ. આ પરિપત્રમાં એપ્રિલ 2020ના બિલમાં ઔધોગિક એકમો પાસેથી ફિક્સ ચાર્જ ન વસુવાલવાનો સરકાર દ્વારા નિણર્ય લેવામાં આવ્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા અનલૉક કરવામાં આવ્યું છે. જોકે માર્કેટમાં હાલ મંદી હોવાથી કોઈ ખાસ ઉત્પાદન ન થતાં આવક થઈ નથી અને માટે વીજ બિલમાં રાહત આપવામાં આવે તેવી માગ કરાઇ હતી.