- 12 માર્ચે દાંડી યાત્રાને 91 વર્ષ પૂર્ણ થશે
- 12 માર્ચે વડાપ્રધાને ગાંધી આશ્રમે આવે તેવી સંભાવના
- 1 હજાર કરોડના ખર્ચે આશ્રમ અને આસપાસના વિસ્તારનું રી-ડેવલપમેન્ટ થશે
અમદાવાદઃ 12 માર્ચનો દિવસ સમગ્ર ભારત અને વિશ્વમાં ઐતિહાસિક દિવસ છે. મહાત્મા ગાંધીએ અંગ્રેજો સામે લડતા સાબરમતી આશ્રમથી મીઠાના સત્યાગ્રહની શરૂઆત કરી હતી. 12 માર્ચ, 1930 ના દિવસે મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી 78 લોકોની ટુકડી સાથે ગુજરાતના નવસારીના દાંડી ગામ સુધી પદયાત્રા કાઢીને મીઠા પરના અંગ્રેજી સરકારના જુલ્મી કરનો કાયદો તોડયો હતો. આ માટે તેમણે 25 દિવસમાં 390 કિલોમીટર જેટલું અંતર કાપ્યું હતું. રસ્તામાં દરેક ગામમાં તેમનું સ્વાગત થયું હતું. આ લડત થકી મહાત્મા ગાંધી ભારતમાં અંગ્રેજી રાજ વિરુદ્ધ ચળવળના મુખ્ય નેતા બન્યા હતા.
ટુરિસ્ટ સ્પોટ છે ગાંધી આશ્રમ
સાબરમતી આશ્રમ આજે વિશ્વ પ્રસિદ્ધ છે. ખુબ જ રમણીય સાબરમતી નદીના કિનારે આવેલો આ આશ્રમ વિશ્વભરના ઇતિહાસપ્રિય નાગરિકો અને પ્રવાસીઓ માટે ટૂરિસ્ટ સ્પોટ બનેલું છે. સરકાર આ આશ્રમ અને આસપાસના વિસ્તારને વિકસાવવા માટે કટિબદ્ધ બની છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની જેમ દેશ-વિદેશના લોકો અહીં આવે અને સરદારની જેમ મહાત્માના જીવન-કવનથી પરિચિત થાય, મહાત્માના ગુણોને આત્મસાત કરે તેવો સરકારનો પ્રયાસ છે. સાબરમતી આશ્રમ અને તેની આસપાસના વિસ્તારને રૂપિયા 01 હજાર કરોડના ખર્ચે વિકસાવવાની વાત ચાલી રહી છે. અહીં મોટો પાર્ક ઉપરાંત ટ્રાફિક ઓછો કરવા ઓવરબ્રીજ પણ બનાવવામાં આવશે. આમ સાબરમતી આશ્રમને ભવિષ્યમાં આધુનિક રૂપ અપાશે.