- વડાપ્રધાન મોદીના નિવેદન પ્રમાણએ વેક્સિન ટૂંક સમયમાં થશે ઉપલબ્ધ
- સૌપ્રથમ વેક્સિન હેલ્થ વર્કરોને આપવામાં આવશે
- હેલ્થ વર્કરોના યાદી બનાવવનું શરૂ
અમદાવાદઃ કોરોનાના વધતા જતા કેસની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે આવતા અઠવાડિયામાં કોરોનાની વેક્સિન આવી જશે. મોદીના નિવેદન બાદ ફ્રન્ટ લાઈન વોરિયર્સને રસી આપવા માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. થોડા દિવસ પહેલાં મેડિકલ એસોસિયેશનના તમામ લોકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હેલ્થ વર્કરને વેક્સિન સૌથી પહેલા આપવાની વાત કરવામાં આવી હતી.
વેક્સિન અંગે તૈયારીઓ ચાલુ
કોરોના વેક્સિનના વિતરણ મામલે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં વેક્સિન 4 સ્ટેજમાં આપવામાં આવશે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 40 હજાર કર્મચારીઓની યાદી તૈયાર કરી દેવામાં આવી છે અને આ યાદી રાજ્ય સરકારમાં મોકલી દેવામાં આવી છે.
પ્રથમ ડોઝ ડૉક્ટર્સ અને હેલ્થ વર્કર્સને અપાશે
કોર્પોરેશનમાં ફરજ બજાવતા તમામ ડોક્ટર્સ અને હેલ્થ વર્કર્સની યાદી તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પહેલા ડોઝમાં 8 હજારથી વધુ ડોક્ટર અને હેલ્થ વર્કર્સનો સમાવેશ થાય છે. આગામી થોડા અઠવાડિયામા વેક્સિન આવશે, ત્યારે પહેલા કોરોના વોરિયર્સ એટલે કે આરોગ્ય કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે. વેક્સિન સરકારની ગાઈડલાઈન્સ આવશે એ પ્રમાણે આપવામાં આવશે. અન્ય વોરિયર્સની યાદી પણ તૈયાર કરાશે. આગામી દિવસોમાં અન્ય લોકોની યાદી પણ તૈયાર કરવામાં આવશે.