ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના બાદ યોજાનારી 10મી વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ, જાણો તમામ સમિટની રસપ્રદ વાતો

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ (Vibrant Gujarat global summit)ની કલ્પના 2003માં હાલના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. તેનો હેતુ ગુજરાતને ભારતની અંદર પસંદગીના રોકાણ સ્થળ તરીકે ફરી સ્થાપિત કરવાનો હતો. વર્ષો બાદ આ સમિટ વૈશ્વિક, સામાજિક-આર્થિક વિકાસના એજન્ડાઓ પર વિચાર-વિમર્શ કરવા માટે એક મંચ તરીકે વિકસિત થયું છે. સાથે જ્ઞાનની વહેંચણી અને અસરકારક ભાગીદારીની રચના માટે એક મંચની સગવડ કરી આપે છે.દરેક સમિટ દરમિયાન અમુક મુદ્દા નક્કી હોય છે જેમ કે ફોક્સ સેક્ટર્સ,પાર્ટનર કન્ટ્રીઝ, પાર્ટનર ઓર્ગેનાઈઝેશન્સ, નેશનલ પાર્ટનર્સ, સ્ટેટ પાર્ટનર, નોલેજ પાર્ટનર એરલાઈન્સ પાર્ટનર વગેરે.

કોરોના બાદ યોજાનારી 10મી વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ, જાણો તમામ સમિટની રસપ્રદ વાતો
કોરોના બાદ યોજાનારી 10મી વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ, જાણો તમામ સમિટની રસપ્રદ વાતો

By

Published : Oct 20, 2021, 6:06 PM IST

Updated : Oct 20, 2021, 9:15 PM IST

  • ભારતમાંથી થતી નિકાસમાં કુલ 20 ટકા હિસ્સો
  • ભારતની કુલ જીડીપીનો 8 ટકા હિસ્સો- 984598 કરોડ
  • ગુજરાતના બંદરો પરથી દેશના કુલ હિસ્સાના 40 ટકા કાર્ગો હેન્ડલિંગ
  • ભારતના અગ્રણી સ્ટેટમાં ટોપ થ્રીમાં શામેલ

અમદાવાદઃ ગુજરાત વૈશ્વિક ધોરણે ઉદ્યોગોનું હબ બને અને નવા બિઝનેસ સ્થપાય તેને ધ્યાનમાં લઈને ગુજરાત વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરાઈ હતી જે દર બે વર્ષે યોજવામાં આવે છે. બે વર્ષે યોજાનારી વાઈબ્રન્ટ સમિટમાં દુનિયાભરના અનેક દેશોના ઉદ્યોગકારો ગુજરાતમાં આવે છે. વર્ષ 2019માં અદાણી ગ્રુપ દ્વારા આવનારા 5 વર્ષમાં 55,000 કરોડનું રોકાણ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે રીલાયન્સ દ્વારા આવનારા 10 વર્ષમાં ત્રણ લાખ કરોડના વિવિધ પ્રોજેક્ટ ગુજરાતમાં સ્થાપવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે ગુજરાતમાં વિવિધ જગ્યાઓ પર સ્થાપવામાં આવતા પ્રોજેક્ટમાં આવનારા 10 વર્ષમાં એનર્જી, પેટ્રોકેમિકલ્સ અને ડિજિટલ બિઝનેસનો સમાવેશ કરવામાં આવેલો છે.જાન્યુઆરી 2017માં યોજાયેલી 8 મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 100થી વધુ દેશોના 25,000થી વધુ પ્રતિનિધિઓની ભાગીદારી જોવા મળી હતી, જેમાં 4 રાજ્યોના વડાઓ, નોબેલ વિજેતાઓ, વૈશ્વિક ઉદ્યોગના કેપ્ટન અને થોટ લીડર્સનો સમાવેશ થાય છે.
2003માં પ્રથમ વાઇબ્રન્ટ સમિટની શરૂઆત
2003માં પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ નવરાત્રિ દરમિયાન યોજાઈ હતી. એ સમયના નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ તેનું ઉદઘાટન કર્યું હતું. 28 સપ્ટેમ્બર 2003થી 2 ઓક્ટોબર 2003 દરમિયાન સમિટમાં ગુજરાતના બે મહત્ત્વના ઔદ્યોગિક શહેર અમદાવાદ અને સુરતના યજમાનપદે હતી અને ઇન્ડસ્ટ્રિયલ એક્સ્ટેન્શન બ્યૂરો સરકારની નોડલ એજન્સી તરીકે ભારત સરકાર, યુનાઈટેડ નેશન્સ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓર્ગોઇનાઈઝેશન, ફિક્કી અને સીઆઈઆઈના સહકારમાં પાર પાડવામાં આવી હતી. પ્રથમ સમિટમાં ઇન્ડસ્ટ્રિયલ ઇન્વેસ્ટમેન્ટ, એગ્રો પ્રોસેસિંગ, બાયોટેક-ફાર્મા, નેચરલ ગેસ એન્ડ ઓઇલ, ઇન્ફ્રાસ્ટ્રકચર, માઇનિંગ, ટુરિઝમ, એપેરલ અને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર અમદાવાદમાં અને સુરતમાં ગાર્મેન્ટ અને ટેક્સટાઈલ્સ અને જેમ્સ એન્ડ જ્વેલરી ફોક્સ સેક્ટર રહ્યાં હતાં. બંને શહેરમાં વિવિધ પ્રદર્શનીઓમાં જે તે સેક્ટરની પ્રોડ્કટ્સ અને સર્વિસિસને પ્લેટફોર્મ મળ્યું હતું. સાથે સંભવિત રોકાણકારો, સરકારી અધિકારીઓ અને પ્રોજેક્ટ પ્રમોટર્સની વન ટુ વન મિટિંગ્ઝ યોજાઈ હતી. જેમાં 176 પ્રોજેક્ટ પ્રપોઝલ સ્ક્રૂટિનાઈઝ થઇ હતી. આ સમિટમાં કોર્પોરેટ લીડર્સમાં સુબીર રાહા, સી કે બિરલા, શેલ કંપનીના સીઇઓ સહિત બ્રિટિશ ગેસ, જનરલ મોટર્સ, પીએન્ડઓ પોર્ટ્સ, નિકો એન્ડ સ્ટેગ સહિતની ગ્લોબલ કંપનીઓ હાજર હતી. તો આંતરરાષ્ટ્રીય મહાનુભાવોમાં અમેરિકાના ફોર્મર સેનેટર લેરી પ્રેસલર, મિશેલ ક્લાર્ક ઉપસ્થિત રહ્યાં હતાં. સમિટની ઉપલબ્ધિ તરીકે કુલ 76 મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ-એમઓયુ થયાં હતાં જેમાં 14 બિલિયન અમેરિકન ડોલરનું રોકાણ ઉપલબ્ધ થયું હતું.

2005 બીજી વાઈબ્રન્ટ સમિટ
વર્ષ 2005માં બે દિવસીય વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટને તત્કાલીન રાષ્ટ્પતિ ભેંરોસિંહ શેખાવતે ખુલ્લી મૂકી હતી. તેમાં 6000 લોકો હાજર રહ્યાં હતાં. વિવિધ કોર્પોરેટ કંપનીઓ, વિદેશી ડેલિગેટ, એનઆરઆઈ, બિઝનેસમેન વિવિધ સેક્ટર તરફથી હાજર રહ્યાં હતાં. આ સમિટમાં મૂકેશ અંબાણી, ગૌતમ અદાણી, શશી રુઇયા, નિગેલ શૉ જેવા ધુરંધરો પણ હાજર રહ્યાં હતાં. આ સમિટમાં 870 બિલિયન રુપિયાના પ્રોજેક્ટ પહેલા દિવસે સાઈન થયાં હતાં. આ સમિટને ગુજરાતમાં ઉત્તરાયણના પતંગોત્સવના દિવસોમાં સેટ કરવામાં આવી હતી. સમિટમાં આઈટી, બાયોટેક, એગ્રો, પેટ્રોલિયમ, બિનપરંપરાગત ઊર્જા, પોર્ટ, ફાઇનાન્સિયલ સર્વિસીસ સહિતના ગુજરાતના અગ્રણી વેપારધંધાના ક્ષેત્રો સહિત ફોક્સ એજન્ડા હતાં. સાયન્સ સિટીમાં યોજાયોલા સમિટના એક્ઝિબિશનમાં દેશવિદેશના 200 એક્ઝિબિટર્સ હતાં. સમિટના સમાપન સુધીમાં 226 એકમ દ્વારા 1060 બિલિયન રુપિયાના એમઓયુ થયાં હતાં જેમાં 4 મોટી કંપનીઓના 120 બિલિયન રોકાણ ગેસ બેઝ્ડ લિગ્નાઈટ પાવર પ્રોજેક્ટમાં થયાં હતાં, જે આજનું સૌથી વધુ જરુરિયાતવાળું સેક્ટર બની ગયું છે.. સમગ્રપણે ઉદ્યોગજગતમાંથી આ સમિટને ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો.

2007 તૃતીય વાઈબ્રન્ટ સમિટ
અમદાવાદમાં 12-13 જાન્યુઆરીના રોજ યોજાયેલી આ સમિટે ગુજરાતને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે સામે લાવ્યું હતું અને ભારતીય અર્થતંત્રના ગ્રોથ એન્જીન તરીકે ઓળખાવવામાં આવ્યું હતું. 2007 સુધીની ત્રણેય સમિટમાં દેશવિદેશના રોકાણકાર માટે ગુજરાતને આદર્શ રોકાણ સ્થળ તરીકે પ્રસ્થાપિત કરવામાં મહત્ત્વની ભૂમિકા રહી હતી. ઉદ્યોગકારોમાં ગુજરાતની છાપ ઉપસાવી હતી કે ગુજરાતમાં તેમના માટે રેડ ટેપ નહીં રેડ કાર્પેટ બિછાવાય છે. આ એવો મોકો છેકે જ્યાં રુપિયા વાવો અને ડોલરમાં કમાવો તેવો સંદેશ મળતો હતો. આ સમિટમાં ફોકસ ક્ષેત્રોમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, એન્જિનિયરિંગ, ઓટો અને સિરામિક્સ, બાયોટેકનોલોજી, કાપડ અને વસ્ત્રો, જેમ્સ અને જ્વેલરી, પ્રવાસન, આઇટી, પાવર, તેલ અને ગેસ, રસાયણો, પેટ્રોકેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ, SEZ અને પોર્ટ-લેડ ડેવલપમેન્ટ અને શહેરી વિકાસ રહ્યાં હતાં. આ સમિટને ચાર દિવસનો વિસ્તાર અપાયો હતો જેમાં પ્રિસમિટ એક્ટિવિટી તરીકે 10-11 જાન્યુઆરી 2007ના દિવસે એક્ઝિબિશન્સ યોજાયાં હતાં. જેને ગુજરાત ડિસ્કવર્ડ નામ અપાયું હતું. અને તેમાં સાબરમતી રિવરફ્રન્ટ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ સાથે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સમિટની ઉપલબ્ઘિ તરીકે 675 ઓમઓયુ થકી 152 બિલિયન યુએસ ડોલરનું રોકાણ આવ્યું હતું.

2009 ચતુર્થ વાઈબ્રન્ટ સમિટ
12-13 જાન્યુઆરી 2009માં યોજાયેલા ચોથા વાઈબ્રન્ટ સમિટમાં થીમ ગુજરાત ગોઇંગ ગ્લોબલ હતી અને તેના મૂળ હેતુઓ સહિત બિઝનેસ લીડરો, રોકાણકારો, થોટ લીડરો, પોલિસી અને ઓપિનિયન મેકરોને એકમંચ કરવાનો હેતુ પણ હતો. બે દિવસીય સમિટમાં 8662 એમઓયુમાં 243 બિલિયન અમેરિકન ડોલર-12,000 બિલિયન રુપિયાના એમઓયુ સાઈન થયાં હતાં. 45 દેશના 600 ડેલિગેટ્સે ભાગ લીધો. રતન તાતા, કે વી કામથ, મૂકેશ અંબાણી સહિત દેશના તમામ મોટા જૂથોના લીડર હાજર હતાં. તો જાપાન, યુકે, ચીન, રશિયા, કેનેડા, ઇઝરાયેલ, પોલાન્ડ, કોરિયા, યુએઇ, મલાવી, ઇન્ડોનેશિયા, ઓમાન, કેન્યા, ઇટાલી, સિંગાપોર, ત્રિનિદાદ-ટોબેગો, વિયેટનામ, યુગાન્ડા, ઝિમાબ્વે અને માલદીવ્ઝે પણ ભાગ લીધો હતો. જાપાન આ સમિટથી ગુજરાતનું પાર્ટનર કન્ટ્રી બન્યું હતું આમ પહેલીવાર બન્યું હતું કે કોઇ દેશ કોઇ રાજ્ય સાથે જોડાયું હોય.આ પછી જાપાન જેટ્રો- સાથે આજે પણ ગુજરાતમાં કામ કરી રહ્યું છે.


2011 પાંચમી વાઈબ્રન્ટ સમિટ
2011ની આ સમિટ ગાંધીનગરમાં 12-13 જાન્યુઆરી 2011માં યોજાઈ. આ સમિટ માટે ડેડિકેટ પ્લેસ તરીકે વિકાસાવાયેલા સેક્ટર 13ના મહાત્મા મંદિરમાં તેનું ઉદઘાટન થયું હતું. સમિટના એજન્ડા અને દેશવિદેશના ડેલિગેશન થકી 7936 એમઓયુ સાઈન થયાં હતાં અને 462 બિલિયન યુએસ ડોલરનું રોકાણ બે દિવસમાં નક્કી થયું હતું.


2013 છઠ્ઠી વાઈબ્રન્ટ સમિટ
12-13 જાન્યુઆરીએ વાઈબ્રન્ટ ગુજરાત 2013 સમિટ પણ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં જ યોજાઈ હતી. આ સમિટનું નવું એ હતું કે ગુજરાત ઉપરાંત તેમાં કર્ણાટક જેવા ભારતના રાજ્ય અને વિકસિત-વિકાસશીલ દેશો મોઝામ્બિક, કેનેડો, ટુકે અને જાપાન પણ હોસ્ટ કર્યાં હતાં.


2015 સાતમી વાઈબ્રન્ટ સમિટ
આ સમિટના આયોજનનો માહોલ એકદમ ખાસ હતો. કારણ કે હવે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન ન હતાં પરંતુ ભારતના વડાપ્રધાન બની ચૂક્યાં હતાં. મહાત્મા મંદિર ગાંધીનગરમાં સાતમી વાઇબ્રન્ટ સમિટ 12-13 જાન્યુઆરી 2015ના દિવસે યોજાઈ હતી. અત્યાર સુધીની છ સમિટને મળેલી સફળતાના પ્રતિસાદ સાથે આ સમિટમાં ગુજરાતને ગ્લોબલ બિઝનેસ હબ તરીકે રુપાંતરિત કર્યું. સમાન્વેષી વિકાસ પર ફોક્સ કરતાં ગુજરાતે વિકાસ માટેના ચાવીરુપ વિસ્તાર ઓળખ્યાં જેમાં ઇનોવેશન, સસ્ટેઇનિબિલિટી, યૂથ એન્ડ સ્કીલ ડેલવપમેન્ટ, નોલેજ શેરિંગ અને નેટવર્કિંગને જોડ્યાં. આ સમિટ બીજા રાજ્યો અને દેશોમાં મજબૂતીકરણ, વ્યાપાર તકો અને જ્ઞાન વિકેન્દ્રિતા માટે આદર્શ મંચ સમાન ભૂમિકા ભજવી. વાઈબ્રન્ટ ગુજરાતમાં ટ્રેડ શો પણ પ્રચલિત બન્યાં હતાં. 2000 કરતાં વધુ કંપનીઓ એક્ઝિબિશન્સમાં ભાગ લઇ રહી હતી અને લગભગ 1 મિલિયન મુલાકાતીઓએ ભાગ લીધો હતો. ભારત સહિત કુલ 110 દેશમાંથી 25,000 ડેલિગેટ આવ્યાં હતાં. આ સમિટમાં ભૂતાનના વડાપ્રધાન, મેસેડોનિયાના વડાપ્રધાન, યુએન સેક્રેટરી બાન કી મૂન, યુએસએના સેક્રેટરી ઓફ સ્ટેટ જ્હોન કેરી સહિત વર્લ્ડ બેન્ક, તેમ જ અગ્રગણ્ય દેશોના વડાઓ, પ્રતિનિધિઓનું એક લાંબુ લિસ્ટ બને તે પ્રકારે ઉપસ્થિત રહ્યાં હતાં.

2017 આઠમી વાઇબ્રન્ટ સમિટ
સાત સાત સફળ ગ્લોબલ સમિટના આયોજનો બાદ સમિટના આયોજનમાં રુઢ થઇ ચૂકેલી ગુજરાત સરકારે લાંબા ગાળાના વિકાસ અને સમાન્વેષી વિકાસને લક્ષમાં રાખી આઠમી સમિટ યોજી હતી. 10-13 જાન્યુઆરી 2017ની સમિટ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાઈ હતી. સસ્ટેઇનેબલ ઇકોનોમિક એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ તેનું ફોક્સ હતું. રાજ્યો અને દેશની સરકારો સાથે કોર્પોરેટ વર્લ્ડને મળાવવાનો એક મંચ આ સમિટ હતી. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણી હતાં અને તેમણે રાજકીય રીતે વિશ્વાસપૂર્વક કહી શકાય તેવી રીતે, જાન્યુઆરી 2019માં યોજાનારી દ્વિવાર્ષિક ઇવેન્ટની આગામી આવૃત્તિ માટે તમામ મહેમાનોને આમંત્રણ આપી દીધું હતું. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 2017માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની હતી. આ સમિટમાં 25,578 જેવા વિક્રમજનક એમઓયુ જાહેર થયાં હતાં અને તેમાં 18,533 એમએસએમઇ સેક્ટરથી, 5,938 લાર્જસ્કેલ સેક્ટરથી અને 1,107 એમઓયુ સ્ટ્રેટેજિક અને ટેકનોલોજિકલ પાર્ટનરશિપ સેક્ટરથી થયાં હતાં. જોકે એ અલગ વાત છે કે કુલ કેટલા મૂલ્યના એમઓયુ થયાં તે બહાર પાડવામાં આવ્યું ન હતું.


2019 નવમી વાઇબ્રન્ટ સમિટ
આ 9મી સમિટમાં તારીખો બદલાઈને 18-20 જાન્યુઆરી 2019 કરવામાં આવી હતી. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 (VGGS)માં 50,000 કરોડ રુપિયાનું રોકાણ રીન્યૂએબલ એનર્જી સેક્ટરમાં થવાની ધારણા હતી. 2019માં યુએઇ, ઉઝબેકિસ્તાન અને મોરોક્કો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયાં હતાં. દહેજ પ્લાન્ટ માટે 560 કરોડના એમઓયુ સેટિંગ હતાં અને સીએનજી ટર્મિનલ માટે પ્રથમ એમઓયુ તેમાં શામેલ હતું. ઉઝબેકિસ્તાનના પ્રેસિડેન્ટ મિર્ઝિયોયેવે વાઇબ્રન્ટ ગુજરાત ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં મુખ્ય મહેમાન તરીકે ભાગ લીધો હતો અને ગુજરાતમાં ફ્લેગશિપ ઇન્વેસ્ટમેન્ટ કન્ટ્રી પાર્ટનર હતાં. આ સમિટમાં ગુજરાતના તત્કાલીન CS જે એન સિંઘે કહ્યું હતું કે આ પહેલાંના સમિટ દરમિયાન થયેલાં કુલ એમઓયુમાંથી 70 ટકા એમઓયુ મટિરિયલાઇઝ થઇ શક્યાં હતાં. આ સમિટમાં દેશવિદેશના 20,000 ડેલિગેટ અને 26,380 કંપની રજિસ્ટ્રેશન કરાવી ભાગ લેવાના હોવાનું જણાવાયું હતું. જાપાન ઉપરાંત ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ પાર્ટનર કંટ્રી હતાં. આ સમિટમાં આફ્રિકા ડેની ઉજવણી નવું છોગું હતું. 2019માં નવમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 42,526 રજિસ્ટર્ડ ડેલિગેટ, 285 રજિસ્ટર્ડ પ્રતિનિધિમંડળ અને 26,893 રજિસ્ટર્ડ કંપનીઓ હતી. વિધાનસભા ગૃહમાં વાઈબ્રન્ટ ગુજરાત પર અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતાં જેમાં મળેલી વિગત પ્રમાણે વાઈબ્રન્ટ ગુજરાત 2019માં રાજ્ય સરકારે કરેલા MOU તો જાહેર કર્યા નથી, પણ કુલ ખર્ચ 77.90 કરોડ થયો હોવાનું જાણવા મળ્યું હતું. 2021માં યોજાનારી વાઇબ્રન્ટ સમિટ કોરોના મહામારીના પગલે રદ જાહેર કરવામાં આવી હતી. જે માટે હવે આગામી વર્ષના જાન્યુઆરીમાં યોજવા માટેના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યાં છે.

10મી 2021 વાઈબ્રન્ટ સમિટની શક્યતા 2022માં
ગુજરાતમાં કોરોનાએ લગભગ વિદાય લઇ લીધી છે ત્યારે આ વર્ષે Gujarat Vibrant Festival યોજાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આ વખતે Gujarat Vibrant Festival સમિટમાં નવી સરકારનુ ફોક્સ રોજગાર પર હશે. જાણકારી મુજબ આ વખતે તારીખ 10 થી 12મી જાન્યુઆરી સુધી Gujarat Vibrant Festival યોજાય તેવી સંભાવના છે. અત્યારે ઉદ્યોગભવનમાં Gujarat Vibrant Festival યોજવા પૂરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે. ઉદ્યોગ વિભાગે Gujarat Vibrant Festival ના પ્રચાર પ્રસાર માટે પ્રિન્ટીંગ મટિરિયલ્સ માટે ટેન્ડર પણ બહાર પાડયા છે.


જાન્યુઆરી 10 થી 12ની વચ્ચે ગુજરાત વાઇબ્રન્ટ સમિટની સંભાવના
ગુજરાત વાઇબ્રન્ટ શરૂ કરાવનાર ગુજરાત કેડરના સનદી અધિકારી A.K.Sharma એ ગુજરાત વાઇબ્રન્ટના પાયા નાખ્યાં હતાં તેઓ હવે આજ અધિકારી ઉત્તરપ્રદેશના ભાજપમાં જોડાઇ ગયાં છે. રાજ્ય સરકારમાંથી મળતી માહિતી પ્રમાણે 14 સપ્ટેમ્બર 2021ના રોજ રાજ્યના નવનિયુક્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તથા વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વીડિયો કોન્ફરન્સથી એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતનો આગામી મેપ અને ત્યારબાદ વર્ષ 2022ના જાન્યુઆરી માસમાં યોજાનારા વાઇબ્રન્ટ મહોત્સવની તારીખો નક્કી કરવામાં આવી હતી. તાત્કાલિક ધોરણે ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ રાજીવ ગુપ્તાના અધ્યક્ષ સ્થાને ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2022ના જાન્યુઆરી માસમાં વાઇબ્રન્ટ મહોત્સવની તારીખ નક્કી કરવામાં આવી છે. ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગુજરાત વાઇબ્રન્ટ મહોત્સવની તારીખ નક્કી કરી દેવામાં આવી છે. જેમાં જાન્યુઆરી 10 થી 12ની વચ્ચે ગુજરાત વાઇબ્રન્ટ મહોત્સવ યોજાશે. આ કાર્યક્રમમાં અનેક દેશના પ્રતિનિધિઓ અને ડેલીગેટ પણ હાજર રહેશે. સાથે જ દુબઈ એક્સ્પોમાં ગયેલા અધિકારીઓને પણ રાજ્ય સરકાર દ્વારા ખાસ જવાબદારીઓ પણ સોંપવામાં આવશે.


થોડા સમય પહેલાં થઈ હતી આ હલચલ
જાપાનના નવનિયુક્ત કોન્સ્યુલ જનરલ ડો. ફૂકહોરી યાસુકાતાએ ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત કરી હતી. પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથેની આ બેઠકમાં જાપાન કોન્સ્યુલ જનરલે જણાવ્યું કે, આગામી વાઇબ્રન્ટ સમિટ દ્વારા આત્મનિર્ભર ભારતની નેમને વધુ ગતિએ આગળ ધપાવવામાં જાપાન ગુજરાતમાં મોટાપાયે રોકાણમાં સહભાગી થશે.કોરોનાની સ્થિતિ અને ત્યારબાદ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારતની ભૂમિકા મહત્વની બની છે. એફ.ડી.આઇ રોકાણો અને ઉદ્યોગોના વિકાસ માટે ભારતમાં ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન છે. જે રીતે કોરોના સંક્રમણ ધીમેધીમે ઘટી રહ્યું છે અને ગુજરાતમાં હવે કોરોનાના 24 કલાકમાં 15 થી 20 કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022ની જાન્યુઆરીની 10 થી 12 તારીખ વચ્ચે વાઇબ્રન્ટ મહોત્સવ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટના આયોજનના ભાગરૂપે વિવિધ દેશના રાજદૂતો પણ ગુજરાતમાં આગમન કરી રહ્યા છે. બે-ત્રણ દિવસ પહેલાં જ યુકે અને બ્રાઝિલના ભારત સ્થિત રાજદૂતોએ મુખ્યપ્રઘાન ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી વૈપાર ઉદ્યોગ મુદ્દે ચર્ચા કરી હતી. આ ઉપરાંત મુખ્યપ્રઘાને પણ બંને રાજદૂતોને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે આમંત્રણ પણ પાઠવ્યુ હતું.


થોડુંક આ પણ જાણો
વર્ષ 2017ની વાઇબ્રન્ટ સમિટ ગુજરાતમાં થયેલા ઈન્વેસ્ટમેંટ માત્ર કાગળ પર થયા હોવાનું સામે આવ્યું હતું. વર્ષ 2017ના વાઈબ્રન્ટ ગુજરાતમાં વોટર રીસોર્સ સેક્ટરમાં કોઇ પણ પ્રકારના ઈન્વેસ્ટમેન્ટ થયા નહીં હોવાની માહીતી સામે આવી હતી. જ્યારે વોટર સપ્લાય સેક્ટરમાં 52 ઈન્વેસ્ટમેંટ થયા હોવાનું સામે આવ્યું છે. જો કે 2019 માર્ચ સુધી તે પૈકીના 21 પ્રોજેક્ટ ઉત્પાદનમાં ગયા હતા. પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારનું અમલિકરણ ન થયું હોવાનું સરકારે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં સ્વીકાર્યું હતું. 2017 માં ટેક્સટાઇલ અને એપરલ સેક્ટરમાં 159 ઈન્વેસ્ટમેંટ ઈન્ટેશન મંજૂર થયા હતા. જેમાં 31 માર્ચ 2019 ની સ્થિતિએ 107 પ્રોજેક્ટ ઉત્પાદનમાં ગયા હતા. હાલ માત્ર 24 પ્રોજેક્ટ જ અમલીકરણ હેઠળ હોવાનું સરકારે જાહેર કર્યું હતું.

Last Updated : Oct 20, 2021, 9:15 PM IST

ABOUT THE AUTHOR

...view details