અમદાવાદ: શહેરમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો કોરોના સંક્રમિત દર્દીઓ સાથે અણછાજતુ વર્તન કરે છે. જે કારણે દર્દીઓમાં નેગેટિવિટી ઉદ્દભવે છે. કોરોના દર્દીઓમાં નેગેટિવિ દૂૂર કરી અને સકારાત્મક ઉર્જા વધારવા માટે અમદાવાદના હેલતબેન અને તેમના મિત્ર ઉષા બેને અનોખી સેવા શરૂ કરી છે.
થોડા સમય અગાઉ હેતલબેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે આ અંગે આસપાસના લોકોને જાણ થતા તેમના અને તેમના પરિવારથી દૂર રહેવા લાગ્યા હતા. લોકો તેમની સાથે અલગ જ પ્રકારનું વર્તન કરતા હતા, જે કારણે તેમને લાગી આવતું હતું. આ દરમિયાન તેમના મિત્ર ઉષાબેન તેમની મદદ માટે આગળ આવ્યા હતા.
કોરોનામુક્ત થયા બાદ મહિલાએ ક્વોરેન્ટાઈન લોકો માટે શરૂ કરી ટિફિન સેવા હેતલબેનના મિત્ર ઉષાબેન દરરોજ ક્વોરેન્ટાઇનમાં રહેલા હેતલબેનને જમવા માટે ટિફિન આપી જતા હતા. કોરોના લક્ષણો ઓછા હોવાથી હેતાલબેને ઝડપથી કોરોનાને માત આપી કોરોનામુક્ત થયા હતા. જ્યારથી હેતલબેન સાથે લોકોએ વર્તન બદલ્યું ત્યારથી તેમના મગજમાં કોરોના દર્દીઓની સેવા કરવા માટેની ગાંઠ બંધાઈ ગઈ હતી.
હેતલબેને વિચાર્યું કે, કોરોનાગ્રસ્ત થતા જ લોકોનું વર્તન બદલાઈ જાય છે. જેના કારણે પોઝિટિવ થયેલા દર્દીની હિંમત પણ તૂટવા લાગે છે. ત્યારે તેમને પોઝિટિવ દર્દીઓ માટે સેવાના ભાગરૂપે ટિફિન સેવા આપવાની શરૂઆત કરી હતી. જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને મેસેજ વહેતો કર્યો કે, જે લોકો ક્વોરેન્ટાઇનમાં હોય અને જમવાની સગવડ ન હોય, તેવા લોકો તેમનો સંપર્ક કરી ટિફિન મંગાવી શકે છે.
હેતલબેનની સાથે ઉષાબેન પણ આ સેવા કાર્યમાં જોડાયા હતા અને જરૂરિયાત મુજબ લોકોના ઘરે જઈને ટિફિન પહોંચાડે છે. તેઓ છેલ્લા 7 દિવસથી નિયમિત સવાર સાંજ ટિફિન સેવા પૂરી પાડી રહ્યા છે. રોજના 50 જેટલા ટિફિન તેઓ નિયમિત રીતે લોકો સુધી પહોંચાડી રહ્યા છે.
હેલતબેનના ટિફિનની વિશેષતા એ છે કે, ટિફિનમાં દરરોજ અલગ અલગ પ્રકારનું સાત્વિક ભોજન આપવામાં આવે છે. પેકિંગ કર્યા બાદ, તેના પર સકારાત્મક સુવિચાર લખવામાં આવે છે. બન્ને મહિલાઓ આધેડ વયના હોવા છતા પોતાનાથી બનતી સેવા કરે છે. આ સાથે તેમને લોકોને પણ અપીલ કરી હતી કે, જેમને જરૂર હોય તેવા લોકો તેમનો સંપર્ક કરી શકે છે.