અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાવાગઢ પહોંચ્યા છે. અહીં વડાપ્રધાને પાવાગઢ મંદિરમાં મહાકાળી માતાના મંદિરમાં દર્શન કર્યા હતા. સાથે જ વડાપ્રધાને કાલિકા માતાના પુનઃનિર્મિત મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. તો હવે વડાપ્રધાન મહાકાળી માતાના મંદિરના નવનિર્મિત શિખર પર ધ્વજારોહણ (Flag hoisting by PM Modi at Pavagadh temple) કર્યું હતું, જે શિખર કળશ તેમજ ધ્વજદંડને સોનાથી મઢવામાં આવ્યાં છે. સાથે જ વડાપ્રધાને મહાકાળી માતાજીની આરતી પણ ઉતારી હતી. મહત્વનું છે કે, પાવાગઢનું આ મંદિર સૌથી જૂના મંદિરમાંનું એક છે. વડાપ્રધાને મંદિરના પહેલા તબક્કાનું ઉદ્ઘાટન એપ્રિલમાં કર્યું હતું. આ મંદિર મોટી સંખ્યામાં તીર્થયાત્રીઓને આકર્ષિત કરે છે. આ પહેલા વડાપ્રધાને મંદિરના પુનઃનિર્મિત ભાગનો વર્ષ 2017માં શિલાન્યાસ કર્યો હતો.
પાવાગઢ ઐતિહાસિક વિવિધતા સાથે સર્વધર્મ સમભાવનું કેન્દ્રઃ PM-આજે જે ધ્વજારોહણ થયું છે. તે ગુજરાત અને દેશના સાંસ્કૃતિક ગૌરવની ધ્વજા છે. પંચમહાલ અને ગુજરાતના લોકોએ સદીઓથી આ મંદિરની ભવ્યતા માટે પ્રયાસ કર્યો છે. ગુજરાતના તીર્થોમાં શાંતિ અને સમાધાન છે. પાવાગઢમાં આધ્યાત્મ પણ છે, ઈતિહાસ પણ છે, પ્રકૃતિ પણ છે, કલા સંસ્કૃતિ પણ છે. અહીં એક તરફ મહાકાળી માતાનું શક્તિપીઠ છે. તો બીજી તરફ જૈન મંદિરની ધરોહર પણ છે. આ સાથે જ પાવાગઢ ભારતની ઐતિહાસિક વિવિધતા સાથે સર્વધર્મ સમભાવનું કેન્દ્ર રહ્યું છે. પંચમહાલમાં પ્રવાસનની સંભાવનાઓની સાથે સાથે અહીંના યુવાનો માટે મોટી સંખ્યામાં નવી તક ઊભી થશે. આદિવાસી ભાઈબહેનો માટે રોજગારની નવી તક આવશે.
વર્ષો પછી PM આવ્યા પાવાગઢ - વડાપ્રધાને ઉમેર્યું હતું કે, ગુજરાતના તીર્થ નવી વિકાસયાત્રામાં આગળ વધી રહ્યા છે. વર્ષો પછી પાવાગઢ આવવાની તક મળી. આ ક્ષણ આપણને પ્રેરણા અને ઊર્જા આપે છે. શક્તિ ક્યારેય લુપ્ત થતી નથી.
આસ્થાનો શિખર શાશ્વત રહે છે: PM - આ શિખર ધ્વજ એ વાતનું પ્રતીક છે કે, સદીઓ બદલાય છે, યુગ બદલે છે, પરંતુ લોકોની આસ્થાનો શિખર શાશ્વત રહે છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનવા જઈ રહેલું છે. કાશીમાં વિશ્વનાથ ધામ બની રહ્યું છે. સાથે જ કેદારબાબાનું ધામ બની રહ્યું છે. આજે ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પુનઃસ્થાપિત થઈ રહ્યા છે. આજે નવું ભારત પોતાની આધૂનિક આકાંક્ષાઓ સાથે પોતાની પ્રાચીન ધરોહરો અને ઓળખને પણ તે જ ઉંમગ ઉત્સાહ સાથે જીવી રહ્યું છે. દરેક ભારતીય તેની પર ગર્વ કરી રહ્યો છે.
આઝાદીમાં પણ ગુજરાતનું યોગદાન મહત્વનુંઃ PM - વડાપ્રધાને સંબોધનમાં ઉમેર્યું હતું કે, ગુજરાતે દેશની આઝાદીમાં જેટલું યોગદાન આપ્યું છે. તેટલું જ યોગદાન દેશના વિકાસમાં પણ આપ્યું છે. ગરવી ગુજરાત ભારતના ગર્વ અને શાનનો પર્યાય છે. ગુજરાતે ભારતના વેપારનું પણ નેતૃત્વ કર્યું અને ભારતની આધ્યાત્મિકતાનું પણ રક્ષણ કરવાનો પ્રયાસ કર્યો છે. સદીઓના સંઘર્ષ પછી જ્યારે ભારત આઝાદ થયું ત્યારે આપણે ગુલામી અને અત્યાચારના ઘાથી ભરાયેલા હતા. તે સમયે આપણામાં આપણો દેશ ફરી ઊભો કરવાનો પડકાર હતો. ભારતની સાંસ્કૃતિક આઝાદીની શરૂઆત પણ સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતથી થઈ હતી. સોમનાથ મંદિરના પુનઃનિર્માણ રાષ્ટ્રના પુનઃનિર્માણના સંકલ્પમાં આપણી સામે આવ્યો હતો.