- ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના કાર્યકાળને એક વર્ષ પૂર્ણ
- ચૂંટણી જીતીને પાટીલે બતાવ્યો પાવર
- પાટીલના જ વિસ્તાર સુરતમાં 'આપ' ની એન્ટ્રી
અમદાવાદ: ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર. પાટીલ (c r patil)આજે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહાકારિતા પ્રધાનઅમિત શાહને (amit shah) મળ્યા, ગુજરાત અંગે ચર્ચા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. સી. આર. પાટીલ(c r patil) 20 જુલાઈ, 2020ના રોજ ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા હતા, બરોબર આજે તેમના કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થયું છે. એક વર્ષમાં તેમની સારી કામગીરી અને વિવાદ તથા હવે પછી તેમની સામે નવા પડકારો રહ્યા છે.
પાટીલની કામ કરવાની પદ્ધતિથી કેટલાક લોકો નારાજ
સી. આર. પાટીલ (c r patil) પાર્ટી પ્રમુખ બન્યા પછી તેઓ પેજ કમિટીઓ બનાવીને બુથ મેનેજમેન્ટ સરસ રીતે કરીને બતાવી દીધું, કે ચૂંટણી જીતવા માટે તમારે ગ્રાઉન્ડ લેવલ સુધી જવું પડે. પ્રજા સાથે કનેક્ટ થવું પડે. પાટીલે 8 મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભવ્ય જીત અપાવી હતી તેમજ વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીમાં વિરોધીઓ મજબૂત હતા, તેમ છતા પણ તમામ બેઠકો જીતાડીને બતાવી દીધું, પાટીલ પાવર ચૂંટણીમાં ચાલ્યો છે, પણ તેમની કામ કરવાની પદ્ધતિથી કેટલાક ભાજપના અને સરકાર રહેલા સીનીયર નેતાઓને પસંદ નથી આવ્યા.
પાટીલ રેમડેસીવીર ઇન્જેક્શન મામલે વિવાદમાં સપડાયા
કોરોના(corona)ની બીજી લહેર વખતે પાટીલે 5000 રેમેડેસીવીર ઈન્જેક્શન મેળવીને સુરતના ભાજપ કાર્યાલયથી વિતરણ કર્યું હતું. ગુજરાતમાં આ ઈન્જેક્શનની ભારે અછત હતી, ત્યારે પાટીલ પાસે આ ઈન્જેક્શન આવ્યા કયાંથી? પાટીલ આ સવાલનો જવાબ કોર્ટમાં આપી શક્યા નથી. આ વિવાદ ખૂબ ચગ્યો હતો અને વિપક્ષોએ પાટીલ પર ખૂબ માછલા ધોયા હતા. રૂપાણી સરકાર પર સવાલ ઉભા થયા હતા. પત્રકારોએ આરોગ્યપ્રધાન નીતિન પટેલ(nitin patel)ને પુછ્યું હતું કે, પાટીલ પાસે ઈન્જેક્શન આવ્યા કયાંથી?, ત્યારે નીતિન પટેલે કહ્યું હતું કે, તમે પાટીલને પુછો. આમ તે વખતે પાટીલની કામગીરીથી સરકાર કઢેડામાં આવી ગઇ હતી.
પાટીલની વરણીથી સુરતના પાટીદારો નારાજ
પાટીલની વરણી પક્ષ પ્રમુખપદે થતાં દક્ષિણ ગુજરાતના પાટીદારો નારાજ થયા છે અને પાટીલના જ વિસ્તાર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન(municipal corporation) ની ચૂંટણીમાં 27 કોર્પોરેટરો આમ આદમી પાર્ટી જીતીને આવ્યા છે. એટલે કે સુરતના પાટીદારો ભાજપથી નારાજ થઈને ‘આપ’ તરફ વળ્યા છે. ત્યારે પાટીલે કહ્યું હતું કે, ‘લોઢાની થાળીમાં મેખ વાગી ગઈ છે.’ પાટીલ સામેની નારાજગીથી સુરતમાં પાટીદારો ભાજપથી વિમુખ થયા છે અને ‘આપ’નો વિકલ્પ પસંદ કર્યો છે. ત્યાર પછી ખોડલધામવાળા નરેશ પટેલને કહેવું પડ્યું હતું કે, મુખ્યપ્રધાન તો પાટીદાર જ હોવા જોઈએ. જે પછી જ્ઞાતિવાદી રાજકારણ ઉભું થયું હતું.
સારી કામગીરીને પ્રજા સમક્ષ લઈ જવાશે
ગુજરાતની રૂપાણી સરકારને સાત ઓગસ્ટે પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે તેમની પાંચ વર્ષની સિદ્ધિઓ લોકો સુધી લઈ જવા માટે પ્રદેશ ભાજપ કાર્યાલયમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોરોનાકાળમાં આરોગ્ય ક્ષેત્રે સરકારની સારી કામગીરી અને તાઉતે વાવાઝોડામાં સરકારના આગોતરા આયોજનથી ખૂબ ઓછુ નુકસાન થયું હતું તેમજ ઉનાળામાં જળસંચયની સુંદર કામગીરી આમ પ્રજા સુધી લઈ જવાશે.