- મેઘણીનગરમાં યુવકની હત્યા
- મિત્રએ જ કરી હતી મિત્રની હત્યા
- પોલીસે કરી આરોપીની ધરપકડ
અમદાવાદઃ શહેરમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ મેઘણીનગરમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી. જે મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. સામાન્ય તકરારમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી દીધી હતી. મૃતક ઘનશ્યામ ઉર્ફે બાબા ભાર્ગવ રોડની ડિફેન્સ કોલોની ખાતે રહેતો હતો. બપોરના સમયમાં બાબા તેના મિત્ર રીંકુ ઉર્ફે ટમાટર અને ચેતન તથા અન્ય મિત્રો નાસ્તો કરતા હતા, તે સમયે બોલાચાલી થઈ હતી અને બાબાએ રીંકુને 3 લાફા માર્યા હતા. આ બાદ તમામ લોકો છુટા પડ્યા હતા, જોકે, રીંકુના મનમાં બાબા માટે વેર ભરાયું હતું.
બદલો લેવા છરીના ઘા માર્યા
આ બાદ સાંજના સમયે બાબા અને રીંકુ વાતો કરી રહ્યા હતા, ત્યારે રીંકુનો પિતરાઈ ભાઈ ચેતન ત્યાં આવી પહોંચ્યો અને ચેતને બાબાનો હાથ પકડી રાખ્યો હતો. જ્યારે રીંકુએ તેના પેટમાં છરીના ઘા માર્યા હતા, જેથી બાબા ત્યાં જ પડી ગયો હતો.
સારવાર દરમિયાન યુવકનું થયું હતું મોત
આ બનાવ બાદ હુમલાખોર ત્યાંથી નાસી ગયા હતા. બાબાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન બાબાનું મોત થયું હતું. જે મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. મેઘણીનગર પોલીસે તપાસ બાદ આરોપી રીંકુની ધરપકડ કરી છે. હાલ પોલીસે હત્યામાં વાપરેલ હથિયાર કબ્જે કર્યું છે અને આગળની તપાસ હાથ ધરી છે.
અમદાવાદના મેઘણીનગરમાં થયેલી યુવકની હત્યા મામલે 1 આરોપી ઝડપાયો