અમદાવાદઃ કોરોના વાઇરસના કપરા કાળમાં યુનિવર્સિટીઓ દ્વારા તાજેતરમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની ગાઈડલાઈન મુજબ આ પરીક્ષાઓ યોજવામાં આવી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવ્યું હતું. આ પરીક્ષા ગુજરાત યુનિવર્સિટીની જુદી-જુદી વિધાશાખાઓમાં પણ ચાલી રહી છે, ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કુંવર હર્શઆદિત્યસિંહ પરમારે આ પરીક્ષાઓમાં ચોરી કર્યાના આક્ષેપ કર્યા છે.
NSUIના સેનેટ મેમ્બર દ્વારા પરીક્ષામાં ચોરીનો આક્ષેપ, કોંગ્રેસ ન્યાયિક તપાસ માટે તૈયાર કાયદાશાસ્ત્રની પરીક્ષામાં યુનિવર્સિટીના NSUIના સેનેટ મેમ્બર કુંવર હર્ષઆદિત્ય પરમાર જ્યારે પરીક્ષા આપવા બેઠા, ત્યારે તેમનો મોબાઈલ ફોન તેમની સાથે હતો. એચ.એ.લો કૉલેજના CCTV કેમેરામાં તેઓ પોતાનો મોબાઇલ ફોન તેમના હાથમાં લઈને પાછો ખિસ્સામાં મૂક્યો હોય તેવું દેખાઇ આવ્યું હતું. જેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કુંવર હર્ષઆદિત્ય પરમારે પરીક્ષામાં ચોરી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, હર્ષઆદિત્ય પરમાર ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારના પુત્ર છે. જેથી આ સમગ્ર મામલે શુક્રવારે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે કુંવર હર્ષઆદિત્ય દ્વારા પોતાની સફાઈ આપવામાં આવી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, દરેક વિદ્યાર્થી ફોન પોતાની સાથે લઈને જ પરીક્ષામાં બેસે છે અને તેને સાયલન્ટ મોડમાં રાખે છે, પરંતુ તેમનો ફોન વાઈબ્રેટ મોડમાં હતો. જેથી જ્યારે કોઈનો ફોન આવ્યો ત્યારે ફોન વાઈબ્રેટ થતાં તેમને ફોન સાયલન્ટ મોડ પર કરવા ખિસ્સામાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તુરંત જ તેમને ફોન પાછો ખિસ્સામાં મૂકી દીધો હતો. એટલે થોડીક જ સેકન્ડઓમાં ચોરી કરવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી.
બીજી તરફ તેમના પિતા અને કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, ભાજપની યુવા પાંખ ABVP દ્વારા તેમના પુત્રને અને તેમને બદનામ કરવાના ખોટા કારસા રચવામાં આવી રહ્યા છે. જયરાજસિંહ વધુમાં જણાવ્યું કે, તેમનો પુત્ર કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરે છે અને કાયદા શાસ્ત્રમાં વિસ્તૃત લખાણની પરીક્ષા હોય છે, ત્યારે એક સેકન્ડની અંદર તે કશું ચોરી કરી શકે નહીં. આમ છત્તા તે પોતાના પુત્ર સામે ન્યાયિક તપાસ માટે તૈયાર છે. આ સાથે જ ખોટા આક્ષેપો માટે જયરાજસિંહ ABVP પર માનહાનીનો દાવો કરશે.
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કાયદો તમામ વિદ્યાર્થીઓ માટે સરખો હોય છે, જ્યારે કુંવર હર્ષઆદિત્યસિંહ પરીક્ષા આપી રહ્યા હતા, ત્યારે વર્ગખંડમાં સુપરવાઇઝર ઉપસ્થિત જણાયા છે. તેમનું નિવેદન લેવામાં આવ્યું નથી. યુનિવર્સિટી દ્વારા પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. કારણ કે, પરીક્ષામાં કુંવર હર્ષઆદિત્યસિંહ દ્વારા કોઈ પણ પ્રકારની ચોરી થઇ નથી. ત્યારે ABVP દ્વારા ફક્ત ખોટા મુદ્દાઓને ઉછાળીને હોશિયાર વિધાર્થીનું મનોબળ તોડવાનો અને કોંગ્રેસને બદનામ કરવાનું આ કાવતરું છે.