ગુજરાત

gujarat

ETV Bharat / city

'મારી ધારાસભ્ય તરીકેની કામગીરીની નિષ્ઠા અને નીતિમત્તા પર સત્તાધારી પક્ષ પણ પ્રશ્ન ના ઉઠાવી શકે' : જીગ્નેશ મેવાણી - જીગ્નેશ મેવાણી

2017ની વિધાનસભાની ચૂંટણીમાં બનાસકાંઠાના વડગામની આરક્ષિત બેઠક ઉપરથી અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝંપલાવનાર અને વિજેતા થનાર ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ધારાસભ્ય બન્યાના ત્રણ વર્ષ પૂર્ણ થતા, પોતાના વિસ્તારમાં કરેલા કાર્યોને લઇને રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું. સાથે જ આગામી બે વર્ષમાં તેઓ શું કાર્ય કરશે, તેની રૂપરેખા આપી હતી.

jignesh mevani
jignesh mevani

By

Published : Dec 19, 2020, 12:51 PM IST

Updated : Dec 19, 2020, 1:08 PM IST

અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોતાના ત્રણ વર્ષના કાર્યોનું રિપોર્ટ કાર્ડ રજુ કર્યું

● સત્તાધારી પક્ષના ધારાસભ્યો ચૂંટણીઓમાં વ્યસ્ત અને અભિવાદનોમાં મસ્ત

● મુખ્ય વિરોધપક્ષના ધારાસભ્યોનો કોઈ અતો-પતો નહીં


અમદાવાદઃ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં બનાસકાંઠાના વડગામની આરક્ષિત બેઠક ઉપરથી અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝંપલાવનાર અને વિજેતા થનાર ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ધારાસભ્ય બન્યાના ત્રણ વર્ષ પૂર્ણ થતા, પોતાના વિસ્તારમાં કરેલા કાર્યોને લઇને રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું. સાથે જ આગામી બે વર્ષમાં તેઓ શું કાર્ય કરશે, તેની રૂપરેખા આપી હતી.

જીગ્નેશ મેવાણીએ પોતાન મત-વિસ્તારના દરેક ગામની લીધી છે મુલાકાત
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોતાના ત્રણ વર્ષના ધારાસભ્ય તરીકે કરેલા કાર્યોનો રિપોર્ટ આપતા જણાવ્યુ હતું કે, તેઓ પોતાના વિધાનસભા મતક્ષેત્રના દરેક ગામમાં બે થી ત્રણ વખત ગયા છે. જનતાને પોતાની ઓફિસે બોલાવવાની જગ્યાએ, તેઓ પોતાની ઓફિસ જનતાની વચ્ચે લઈ જાય છે. તેમનું ફોકસ રસ્તા, પાણી, રોજગાર અને ચિકિત્સા જેવા પ્રશ્નો ઉપર રહ્યું છે. ભૂગર્ભ જળ રીચાર્જ થાય અને આજુબાજુના ખેતરોમાં પાણી મળી રહે તે માટે તેમને મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવને નર્મદાના પાણીથી ભરવા સરકારને રજૂઆત કરી હતી, આ માટે તેમણે ત્રણ વર્ષ સંઘર્ષ પણ કર્યો. તેમની તે માંગ પૂરી નથી થઈ, પરંતુ તેને લીધે નજીકના ધરોઇ ડેમનું પાણી તેમના વિસ્તારના 20 થી 25 ગામોને મળ્યું છે. જ્યારે મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવની લડાઈ ચાલુ રહેશે.
જીગ્નેશ મેવાણીએ રિપોર્ટ કાર્ડ કર્યો રજૂ
વડગામ વિધાનસભા મતક્ષેત્રમાં મનરેગા યોજના ભ્રષ્ટાચાર મુક્ત : જીગ્નેશ મેવાણી
તેમના વિસ્તારના ત્રણથી સાડાત્રણ હજાર પરિવારોએ 'રાઈટ ટુ ફૂડ સિક્યુરિટી' અંતર્ગત તેમની પાસે મદદ માંગી હતી અને તેમને રાશન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું. લોકડાઉનમાં 1600 જેટલા પરિવારોને રાશન પહોંચાડાયું જેમાં ઘરડા, વિધવા, વિકલાંગ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. મનરેગા યોજનામાં બનાસકાંઠામાં તેમના વિસ્તારમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલતો હતો. પરંતુ આજે તેઓ દાવા સાથે કહે છે કે, તેમના વિધાનસભા ક્ષેત્રમાં આવતા 110 ગ્રામ પંચાયતમાં મનરેગામાં હવે ભ્રષ્ટાચાર નથી. 7200 પરિવારોને તેમણે મનરેગા અંતર્ગત કામ અપાવ્યું છે, એટલે કે 20 થી 25 હજાર લોકોને તેમણે ત્રણ વર્ષમાં સરકારી સ્કીમ અંતર્ગત કામ અપાવ્યું છે.
ઘર વિહોણા લોકોને ઘર બાંધવા સરકારી સ્કીમ અંતર્ગત પ્લોટ ઉપલબ્ધ કરાવ્યા
કેન્સરના દર્દીઓને અમદાવાદની હોસ્પિટલમાં લઇ જતા તેમની ટીમ હંમેશા ખડે પગે રહી છે. ક્યારેક તો તેમના પિતા પણ ટિફિન લઈને આવા દર્દીઓની સાથે રહ્યા છે. તેમણે રસ્તાઓ બનાવવા, પેવરબ્લોક નાખવા, બોરવેલ બનાવવા, સેફટીવોલ બનાવવી જેવા કાર્યો કર્યા છે. 350 થી 400 જેટલા ઘરવિહોણા લોકોને ઘર બનાવવા માટે 100 ચોરસવારના પ્લોટ સરકારી સ્કીમ અંતર્ગત અપાવ્યા છે. આગામી બે વર્ષ સુધીમાં એક હજાર લોકોને આ લાભ મળે તેવો ટાર્ગેટ છે. મનરેગામાં પણ 10 થી 12 હજાર પરિવારોને રોજગારી મળે તેવું લક્ષ્ય રાખ્યું છે.
વિધાનસભામાં હંમેશા શોષીત અને વંચિતોના પ્રશ્નો ઉઠાવ્યા
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, વિધાનસભામાં પણ તેમણે હંમેશા દલિતો, મહિલાઓ, વિદ્યાર્થીઓ, આદિવાસીઓ, ફિક્સ પગારના સરકારી કર્મચારીઓની વેદનાઓ રજૂ કરી છે. ગુજરાતના 50 લાખ દલિતોનો તેઓ વિધાનસભમાં અવાજ બન્યા છે. તેમના વિસ્તારની 3200 વીઘા દલિતોની જમીન ગુંડાઓએ પચાવી પાડી હતી. તે દલિતોની જમીન તેમને પરત અપાવી છે. જેની કિંમત 200 થી 250 કરોડની છે. તેમણે છેલ્લે દાવો કર્યો હતો કે, ધારાસભ્ય તરીકે તેમની કામ કરવાની નિષ્ઠા, પારદર્શિતા અને નીતિમત્તા પર સત્તાધારી પક્ષ પણ આંગળી ચીંધી શકે તેમ નથી.
રેમડેસિવર ઇન્જેક્શન અંગે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજી
ઉલ્લેખનીય છે કે, કોરોનાગ્રસ્ત દર્દીને ઇમ્યુનિટી વધારવા અપાતા રેમડેસિવર ઈન્જેક્શનના કાળા બજાર તેમજ તેની ઉપલબ્ધતાને લઈને જીગ્નેશ મેવાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેને લઈને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે તેનો ખુલાસો કરીને, તેની પર પગલાં ભરવા પડ્યા હતા. આ ઉપરાંત વિધાનસભામાં પણ તેઓ જરા હટકે જ જોવા મળે છે.
સત્તાધારી પક્ષમાં મંત્રીઓ અને અમુક ધારાસભ્યોને છોડીને બાકી ધારાસભ્યોએ પ્રજાલક્ષી કામોનો અહેવાલ પ્રજાને આપ્યો નથી
ઉલ્લેખનીય છે કે, વર્તમાન વિધાનસભાના ધારાસભ્ય તરીકે પોતાના વિસ્તારમાં કરેલા કાર્યોનો રિપોર્ટ કાર્ડ જાહેરમાં આપનારા જીગ્નેશ મેવાણી પહેલા ધારાસભ્ય હશે. કારણ કે, સત્તાધારી પક્ષમાં મંત્રીમંડળ અને અમુક ગણતરીના ધારાસભ્યો સિવાયના કોઈ પણ ધારાસભ્ય પોતાના વિસ્તારમાં કરેલા કાર્યોની વિગતો પ્રજાને આપતા દેખાયા નથી. સરકારી પ્રોજેકટ પૂર્ણ થાય એટલે ભલે તેમાં તેમનો કોઈ પણ ફાળો ના હોય, હસતા મોઢે ઉદ્દઘાટનમાં તેઓ જશ લેવા આવી પહોંચે છે. વળી અત્યારે તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જીતવાની યોજનાઓ બનાવવામાં વ્યસ્ત છે, તો કેટલાક ધારાસભ્ય નીતિ-નિયમો નેવે મૂકીને ત્રણ વર્ષ પુરા કર્યાની ઉજવણીમાં વ્યસ્ત છે. આ ઉજાણીઓમાં કોરોના વાયરસને લઈને અપાયેલ ગાઈડલાઈનની ઐસી કી તૈસી કરી રહ્યા છે. આમ તેઓ સત્તાધારી પક્ષનું નામ ઉજાળી રહ્યા છે.
કોંગ્રેસ પોતાની જ વિડંબનાઓથી ઘેરાયેલ છે
બીજી તરફ કોંગ્રેસ પક્ષ પોતાની અંદરની વિડંબનાઓમાંથી જ મુક્ત થતું નથી. પ્રશ્ન તો એ છે કે, ગુજરાતમાં વિરોધ પક્ષ છે કે નહીં ? વાત તો ત્યાં સુધી વણસી છે કે હવે પ્રજાને શખ છે કે ભાજપની સરકારમાં જ ક્યાંક કોંગ્રેસના નેતાઓને લાભ તો નથી મળતો ને ? આ બન્ને પક્ષોએ તેમજ તમામ રાજકીય પાર્ટીઓએ આ અપક્ષ ધારાસભ્ય પાસેથી શીખવા જેવું છે. ફક્ત ધારાસભ્ય બનીને ઘરમાં બેસી રહેવાથી લોકપ્રિય થવાતું નથી, તેના માટે સતત તમારા વિસ્તારના લોકોને સાંભળવા પડે છે અને કાર્યો કરવા પડે છે. નહિતર પાર્ટી તેમને ફરીથી ટિકિટ નહીં આપે અને બીજી પાર્ટીના જીતેલા ઉમેદવારોને ખરીદવા પડશે.જેમ મોટા વૃક્ષ નીચે છોડ સચવાઇ જાય તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે ચૂંટાઈ આવેલા કેટલાક ધારાસભ્યો પોતાના વિસ્તારમાં કરેલા કાર્યોની યાદી પણ આપી શક્યા નથી. ત્યારે હવે તેમને સાવચેત થઇ જવાની જરૂર છે.
Last Updated : Dec 19, 2020, 1:08 PM IST

ABOUT THE AUTHOR

...view details