અમદાવાદ: અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં રહેતાં અમૃતભાઇ શંકરભાઇ ઠાકોર પોતાની પૌત્રી તુલસી ઠાકોર જે ઘોરણ 8માં અભ્યાસ કરે છે તે 4 મહિના અગાઇ કિડનીની તકલીફથી પીડાતી હતી. તુલસીનું પરિવાર ખેતમજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને તુલસીના પિતા દિનેશભાઇને પાંચ સંતાન છે. તેવામાં 12 વર્ષીય તુલસીની કિડનીની સારવાર માટે અત્યંત ખર્ચાળ ડાયાલિસીસ કરાવવું ખૂબ જ પડકારજનક બની રહ્યું હતું.એવામાં તેમને સ્કુલમાંથી સ્કૂલ સ્વાસ્થ્ય યોજના વિશે જાણ થતાં તે યોજના અંતર્ગત ડાયાલિસિસ કરાવવા તેઓ અમદાવાદ સિવિલમાં આવેલી કિડની હોસ્પિટલમાં આવી પહોંચ્યાં. આજે અમૃતભાઇ સોઢા છેલ્લાં ચાર મહિનાથી નિયમિતપણે કિડની હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવી રહ્યાં છે.
આવા જ અન્ય એક 54 વર્ષીય દર્દી ચેતનભાઇ સોઢા કે જેઓ અમદાવાદ શહેરમાં ઇમીટેશન જ્વેલરીની દુકાનમાં કામ કરીને રોજગારી રળે છે. તેઓને 8 વર્ષ પહેલાં કિડનીમાં એકાએક તકલીફ વધી જતાં કાયમી કિડનીની ગંભીર સમસ્યા ઉભી થઇ ત્યારે તેઓ ખાનગી હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવવા જતાં હતાં પરંતુ તે ખૂબ જ મોંધુ પડી રહ્યું હતું. તેવામાં ચેતનભાઇને સરકાર દ્વારા કાર્યરત મા કાર્ડ યોજના વિેશે જાણ થઇ અને મા કાર્ડ યોજના અંતર્ગત અમદાવાદ સિવિલ સંકુલની કિડની હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવવાનું શરૂ કર્યુ અને છેલ્લા આઠ વર્ષથી દર અઠવાડિયામાં જરૂરિયાત પ્રમાણે 2 થી 3 વખત નિયમિત ડાયાલિસિસ કરાવવા માટે આવે છે. અહીની ડાયાલિસિસ સારવાર તેમ જ હોસ્પિટલમાં મળતી સેવાઓથી પ્રભાવિત થઇને ચેતનભાઇ કિડનીની સમસ્યાથી પીડિત દર્દીઓને અમદાવાદ કિડની હોસ્પિટલમાં જ ડાયાલિસિસ કરાવવા આવવા માટે આગ્રહ કરે છે.