- મધ્યપ્રદેશ રાજ્યના ઈન્દોરના ગરીબ દંપતીનો કિસ્સો
- 10-12 લાખમાં થતી સારવાર સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે થઈ
- મોત સામે ઝઝૂમી રહેલી બાળકીનો તબીબોએ જીવ બચાવ્યો
અમદાવાદ: 2020નું વર્ષ સમગ્ર દુનિયા માટે કોરોનાની આફત લઈને આવ્યું હતું, પરંતુ મધ્યપ્રદેશના ઈન્દોર શહેરના નજીકના વિસ્તારમાં રહેતા અને કડિયા કામ કરીને રોજીરોટી રળનારા દંપતી જિતેન્દ્ર અંજાને અને રેણુ અંજાને માટે આ વર્ષ એક અલગ જ સમસ્યા લઈને આવ્યું હતું. સમગ્ર દુનિયાના લોકો પોતાના જીવની ચિંતા કરવા મજબૂર બન્યા હતાં, જ્યારે આ ગરીબ અંજાને દંપતી જેણે હજુ જન્મ પણ નથી લીધો તેવા પોતાના સંતાનના જીવની ચિંતામાં ધકેલાયું હતું.
વર્ષ 2020ના એપ્રિલ મહિનામાં રેણુબેનને તેમની ગર્ભાવસ્થાની જાણ થઈ. દંપતીઆને ઈશ્વરના આશિષ સમજીને રાજી ખુશીથી સમય પસાર કરી રહ્યું હતું. માત્ર 2 મહિનાની ગર્ભાવસ્થા બાદ રેણુબેનને લીવરની ગંભીર સમસ્યા હોવાનું નિદાન થયું હતું. રેણુબેનને પોતાના કરતા પોતાના પેટમાં ઉછરી રહેલા નાનકડા જીવની વધુ ચિંતા હતી. આ દંપતી ઈન્દોરમાં તબીબોને મળ્યું પણ કોઈ સંતોષજનક પરિણામ ન આવ્યું. આ ગરીબ દંપતી લગભગ બધી જ આશા છોડી ચૂક્યું હતું, ત્યારે જ અંધકારમાં એક આશાનું કિરણ દેખાય એવી રીતે એક સ્વજને તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બતાવવાની સલાહ આપી.
સાડા છ મહિને બાળકી જન્મી, તેના જીવવાના ચાન્સ ખૂબ ઓછાઃ તબીબ
અંજાને દંપતી નસીબને અજમાવવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ આવ્યા. માત્ર એક જ સપ્તાહની સારવાર બાદ રેણુબેનની તબિયત સુધરી. સ્વાસ્થ્યમાં થોડી રાહત થઈ એટલે રેણુબેને પોતાની ગર્ભાવસ્થા આગળ વધારવાનું નક્કી કર્યું, પરંતુ વધુ એક સમસ્યા આ દંપતીની પ્રતિક્ષા કરી રહી હતી. સાડા છ મહિનાની ગર્ભાવસ્થા બાદ રેણુબહેનની તબિયત ફરી એકવાર બગડી. દંપતીએ ફરી સિવિલ હોસ્પિટલ અમદાવાદનો આશરો લીધો. આ વખતે રેણુબહેનના ગર્ભમાં રહેલા 400 ગ્રામના બાળકના જીવનો પણ સવાલ હતો. રેણુબહેનની આરોગ્યની સમસ્યાઓના લીધે તેમના ગર્ભમાં રહેલા બાળકને પણ તકલીફ થઈ રહી હતી. ડોક્ટર્સ માટે કોઇ નિર્ણય લેવો જ પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના તબીબ બેલા શાહે જણાવ્યું હતું કે, તબીબી વિજ્ઞાન અનુભવ અનુસારના આટલા વહેલા જન્મનાર બાળકના જીવવાની સંભાવના ખુબ જ ઓછી હોય છે.
ગર્ભાવસ્થા ટર્મિનેટ કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો
વધુમાં તેમણે જણાવ્યું કે, રેણુબેનના કિસ્સામાં જો ગર્ભાવસ્થા ચાલુ રાખવામાં આવે અને બીજો કોઈ નિર્ણય ન લેવાય તો મા અને બાળક બન્નેના જીવન પર જોખમ સર્જાય તેમ હતું. ગર્ભાવસ્થા ટર્મિનૅટ કરવા સિવાય કોઇ જ વિકલ્પ નહોતો. આટલા ઓછા વજન અને આટલું વહેલું જન્મેલું બાળક જીવી શકે નહીં તેવું જાણ્યા બાદ આ દંપતીએ પણ દિલ પર પથ્થર મૂકીને ગર્ભાવસ્થા સમાપ્ત કરવા સ્વીકૃતિ આપી દીધી હતી. છેવટે ઓક્ટોબરમાં રેણુબહેને 436 ગ્રામના વજનની અને 36 સે.મી.લંબાઇની બાળકીને જન્મ આપ્યો હતો.
બાળકીના લેખ વિધાતાએ કંઈક અલગ જ લખ્યા હતા
બાળ રોગ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.સોનુ અખાણીએ જણાવ્યું કે, પ્રથમ શ્વાસથી જ આ બાળકી મોત સામે સંઘર્ષ કરી રહી હતી. ઑપરેશન થિયેટરમાં રહેલી દરેક વ્યક્તિની ધારણા હતી કે આ બાળકી થોડી મિનિટો કરતા વધુ નહીં જીવે. ઑપરેશન થિયેટરમાં ઉદાસીનો માહોલ વ્યાપી ગયો હતો, પરંતુ વિધાતા કોનું નામ… વિધાતાએ તો આ બાળકી માટે સાવ જુદા જ લેખ લખી રાખ્યા હતા. તેઓ ઉમેરે છે કે, તબીબી વિજ્ઞાન અનુસાર જ્યારે બાળક આટલું નાનું હોય, વજન આટલું ઓછું હોય ત્યારે ડગલેને પગલે સમસ્યા સર્જાય છે. આ બાળકીના પણ ફેફસા અને હૃદય નબળા હતાં. શારીરિક સ્વાસ્થ્યના મહત્વના પૅરામીટર્સ જાળવવાનું કામ પણ પડકારજનક હતું. જો કે, આ નાની બાળકીને ઓક્સિજનના સપોર્ટની બહુ ઓછી આવશ્યક્તા પડતી હતી. આ જ વાતે અમારા ગાયનેક વિભાગના રેસિડેન્ટ તબીબોને આ બાળકીને જીવાડવા માટે પ્રયાસ કરવાની વધુ પ્રેરણા આપી. હવે શરૂ થયો બાળકીના મૃત્યુ અને તબીબોના પ્રયત્નો વચ્ચેનો તુમુલ જંગ!