- નવરાત્રીમાં પ્રથમ નોરતે માઁ શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે
- માતા સતી બીજા જન્મે હિમાલયને ત્યાં જન્મ્યા જેથી તેઓ શૈલપુત્રી કહેવાયા
- શૈલપુત્રીનું વાહન વૃષભ માનવામાં આવે છે
- નૈવેધ તરીકે ગાયના શુદ્ધ ઘીનો ભોગ ધરાવવામાં આવે
અમદાવાદ : નવદુર્ગાના નવ સ્વરૂપો પૈકીનું પ્રથમ સ્વરૂપ એટલે શૈલપુત્રી, માતા પાર્વતીના પિતા દક્ષ પ્રજાપતિએ શિવજીનું અપમાન કરવા યજ્ઞનું આયોજન કર્યું હતું. જેમાં સર્વ દેવી-દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ શિવજીને આમંત્રણ અપાયું નહીં. માતા સતીએ જોયું કે, પોતાના પિતાએ યોજેલ યજ્ઞમાં તેમના પતિને સ્થાન અપાયું નથી. આથી તેમણે પોતાના શરીરને યોગાગ્નિથી ભસ્મ કર્યું નાખ્યું. માતા સતી બીજા જન્મે હિમાલયને ત્યાં જન્મ્યા જેથી તેઓ શૈલપુત્રી કહેવાયા.
શૈલપુત્રીને સફેદ વસ્ત્ર અને પુષ્પ અર્પણ કરવા
માં પાર્વતીએ દ્રઢ પ્રતિજ્ઞા કરી કે, કોટી જન્મ સુધી તપસ્યા કેમ ન કરવી પડે, પરંતુ તેઓ શિવજીને પતિ તરીકે પામીને જ રહેશે. જેમાં તેઓ સફળ થયા. શિવજીએ માતાની તપસ્યાથી પ્રસન્ન થઈ તેમની સાથે વિવાહ કર્યા. આમ શૈલપુત્રીની આરાધના કરવાથી કન્યાઓને ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે. સુખ:દુખ, ચડતી-પડતીમાં મનુષ્યમાં સ્થિરતા આવે છે. શૈલપુત્રીને સફેદ વસ્ત્ર અને સફેદ પુષ્પ અર્પણ કરી તેમની પૂજા કરવી જોઈએ.
નવરાત્રીના પ્રથમ નોરતે માઁ શૈલપુત્રીની પૂજા
નવરાત્રીના પ્રથમ નોરતે માતા ભવાનીનું પ્રથમ સ્વરુપ પૂજાય છે તેને શૈલપુત્રી સ્વરુપ કહેવાય. ભક્તો આ દિવસે માના સ્વરુપને જે પ્રકારે ચિંતવે છે, તે શૈલપુત્રી તરીકે મહિમાગાન કરવામાં આવે છે. શૈલ એટલે કે પર્વત. પર્વતના પુત્રી-શૈલપુત્રી કહેવાયા છે. માર્કંડેયપૂરાણમાં ઉલ્લેખયાં પ્રમાણે હિમાલયપુત્રીના આ સ્વરુપને નવદુ્ર્ગાના નવ સ્વરુપોમાં પ્રથમ સ્વરુપ તરીકે સ્થાન અપાયું છે. દેવીનું આ નામ હિમાલયને ઘેર પુત્રી તરીકે જન્મ લેવાથી પડ્યું છે. હિમાલય આપણી શક્તિ, દૃઢતા, આધાર તથા સ્થિરતાનો પ્રતિક છે. મનુષ્યજીવનમાં દૃઢતા, સ્થિરતા તથા આધારનું મહત્વ સર્વપ્રથમ છે, એટલે આ દિવસે આપણા જીવનમાં સ્થાયિત્વ તથા શક્તિમાન બનવા માટે માતા શૈલપુત્રી પાસે પ્રાર્થના કરવી જોઈએ. શૈલપુત્રીની આરાધના કરવાથી જીવનમાં સ્થિરતા આવે છે.
માતા શૈલપુત્રીનું વાહન વૃષભ માનવામાં આવે છે