- મુખ્યપ્રધાન રોજ સવારે યોગ કરે છે
- રોજ યોગ કરવાથી મુખ્યપ્રધાન કોરોનાની બીમારીમાંથી ઝડપથી સાજા થયા
- પહેલી વખત રાજ્ય સરકાર દ્વારા નિશુલ્ક યોગ શિબિરનું આયોજન
અમદાવાદ: શહેરમાં પહેલી વખત રાજ્ય સરકાર દ્વારા નિશુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના યોગ બોર્ડ દ્વારા 3 દિવસ માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. અમદાવાદમાંના રિવરફ્રન્ટ ખાતે 9, 10 અને 11 માર્ચના રોજ વહેલી સવારે સાડા 5 કલાકથી 7 કલાક સુધી અને સાંજના સમયે એમ 3 દિવસ સુધી યોગ શિબિર યોજાશે. જેમાં શહેરના લોકો જોડાશે.
યોગ શિબિરના પ્રચાર માટે ભવ્ય રેલીનું આયોજન
આ અંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપૂતે જાણકારી આપતા જણાવ્યું કે, યોગ શિબિરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, રાજ્યના રમતગમત પ્રધાન ઈશ્વરસિંહ પટેલ સહિત ધારાસભ્યો, સંસદસભ્યો, કોર્પોરેટરો અને શહેરના લોકો મોટી સંખ્યામાં જોડાશે. યોગ શિબિરના પ્રચાર માટે ભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા હતા. શીશપાલ રાજપૂતે યોગ શિબિરને લઈને જાણકારી આપતા કહ્યું કે, યોગ માટે આવતા લોકો મિસ્ડ કોલ દ્વારા રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ સાથે જ રજિસ્ટ્રેશન વગરના લોકો માટે શિબિર ખાતે તાત્કાલિક રજિસ્ટ્રેશન કરાવી શકાય તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
કોરોના ગાઈડલાઈનના પાલન સાથે આયોજન
કોરોનાની મહામારી વચ્ચે આયોજિત યોગ શિબિરમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કોરોના નિયમોનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ તમામ લોકોને માસ્ક પહેરવું ફરજીયાત છે. સેનિટાઈઝની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ સાથે સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાની મહામારીમાં યોગ કરી લોકો ઇમ્યુનિટી પાવર વધારે અને એક્યુપ્રેશરથી વિવિધ રોગોની સારવાર થાય તે માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે.