- 7 ઓગસ્ટથી 'તેજસ' એક્સપ્રેસની શરૂઆત
- દિવાળીના તહેવાર દરમિયાન ટુરિસ્ટ ટ્રેનો શરૂ થશે
- કોરોનાના નિયમો પાળવા યાત્રિકો માટે જરૂરી
અમદાવાદ : કોરોનાની બીજી લહેર ઘટતા જ ભારત સરકારના જાહેર ઉદ્યમ IRCTC દ્વારા અમદાવાદ-મુંબઇ વચ્ચે તેજસ એક્સપ્રેસ 7 ઓગસ્ટથી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ દિવાળીના સમયે યાત્રાળુ ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત સપ્ટેમ્બર મહિનામાં ગોવા સાથે મહાબળેશ્વર, નવેમ્બર મહિનામાં સાઉથ દર્શન અને હરિહર ગંગે ટ્રેનો શરૂ કરવામાં આવશે. ઉત્તર દર્શન ટ્રેનો ઓગસ્ટ મહિનામાં, જ્યારે દક્ષિણ દર્શન ટ્રેન ડિસેમ્બર મહિનામાં શરૂ કરાશે. IRCTCએ દાવો કર્યો હતો કે, આ બધી જ ટ્રેનો કોરોના ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને શરૂ કરાશે.
આગામી 7 ઓગષ્ટથી 'તેજસ' એક્સપ્રેસ શરૂ IRCTCની બેબસાઈટ પરથી કરી શકાશે બુકિંગ
IRCTCએ જણાવ્યું હતું કે, અત્યારે કોરોનાના કેસ ઓછા હોવાથી યાત્રા સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. પરંતુ જો જે-તે સમયે કોરોનાના કેસો વધુ હોય તો તે ટ્રેનો રદ પણ કરવામાં આવી શકે છે. સાથે જ જે તે રાજ્યના કોરોનાને નિયમો પણ પાળવાના રહે છે. આ ટૂર પેકેજોની અંદર તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ રહેશે. રેલવેની વેબસાઇટ www.irctctourism.com ઉપરથી પણ બુકિંગ કરાવી શકાશે. પ્રવાસીઓએ કોરોનાની રસી લીધી હોય તેવો આગ્રહ રાખવામાં આવે છે. જો કે તે ફરજિયાત નથી.
દિવાળીના તહેવારોમાં વિશેષ ટૂરિસ્ટ ટ્રેનો શરૂ કરવાનું IRCTCનું આયોજન કેવા હશે કોરોનાના નિયમો ?
દરેક પ્રવાસીઓનું થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવશે અને આરોગ્ય સેતુ એપ્લિકેશન ફરજીયાત રાખવામાં આવશે. ટ્રેનના કોચ અને પ્રવાસીઓને સેનેટાઈઝ કરવામાં આવશે. ટ્રેનમાં સામાન્ય દવાઓ પણ ઉપલબ્ધ રહેશે અને જરૂર પડે નજીકના સ્ટેશન પર રેલવે ડોક્ટરની પણ વ્યવસ્થા હશે. જો કોઈ પ્રવાસી બીમાર પડે તો તેના માટે અલગ કમ્પાર્ટમેન્ટની વ્યવસ્થા પણ હશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ ટ્રેન રાજકોટ, સુરેન્દ્રનગર ,મહેસાણા, કલોલ વડોદરા, ભરૂચ, સુરત, વાપી વગેરે જગ્યાએથી ઉપલબ્ધ થશે.