- મંગળવારે બે વિષયો ઉપર ગુજરાત હાઇકોર્ટમાં થઇ સુનવણી
- પ્રથમ ભરૂચમાં લાગેલી આગ અને બાદમાં કોરોના પર થઈ સુનવણી
- કોરોના મુદ્દે 17મે અને ફાયર સેફટી મુદ્દે 25મેના રોજ સુનવણી યોજાશે
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટમાં ચાાલી રહેલી સુનવણી દરમિયાન આજે એટલે કે મંગળવારના રોજ પણ હાઈકોર્ટ દ્વારા સરકારનો ઉધડો લેવામાં આવ્યો હતો. સુનવણી દરમિયાન ભરૂચની કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના અને હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીને લઈને કોર્ટે સરકારનો ઉધડો લીધો હતો. જ્યારબાદ, રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિને પહોચી વળવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓ અંગે સુનવણી હાથ ધરવામાં આવી હતી. જ્યારબાદ કોર્ટે વધુ સુનવણી સોમવાર સુધી મોકૂફ રાખી છે.
શું કમિટીના રિપોર્ટ કબાટમાં બંધ કરીને રાખવા બનાવાય છે?
ફાયર સેફ્ટી અંગેની સુનવણી દરમિયાન એડવોકેટ અમિત પંચાલે સરકાર દ્વારા રિપોર્ટ પબ્લિશ ન કરવામાં આવતા હોવાના આક્ષેપો સાથે સવાલો ઉભા કર્યા હતા. ભરૂચ હોસ્પિટલમાં લાગેલી આગ મામલે એડવોકેટ અમિત પંચાલનું કહેવું છે કે, કોર્ટના ડાયરેક્શન છે કે કોઈ પણ હોસ્પિટલ ફાયર સેફ્ટી વિના શરુ ન થવી જોઈએ. હોસ્પિટલમાં ફાયર સેફટી છે કે નહીં તે જોવાનું રાજ્ય સરકારની ફરજમાં હતું. સ્થાનિક તંત્ર દ્વારા કઈ રીતે એ હોસ્પિટલને મંજૂરી આપી શકે જેમાં તેણે પોતે લાગુ કરેલા નિયમોનું પાલન નથી થતું? શું કમિટીના રિપોર્ટ કબાટમાં બંધ કરી રાખવા બનાવાય છે? રાજ્યમાં આ પ્રકારનો સાતમો કિસ્સો છે. સુરતમાં પણ આવો બનાવ બન્યો હતો, સદભાગ્યે કોઈનો જીવ નથી ગયો.