- રક્ષાબંધનની ઉજવણીમાં કોર્પોરેટર ભાન ભૂલ્યા
- કોર્પોરેટરે કોરોનાના નિયમોને નેવે મુક્યા
- તહેરવાની પ્રસન્નતા હોય એટલે નિયમો ભૂલી જવાય : કોર્પોરેટર
અમદાવાદ :આજે રક્ષાબંધનના દિવસે બાપુનગર વિસ્તારમાં ગાયત્રી મંદિર પાસે કોર્પોરેટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ડેપ્યુટી ચેરમેન પ્રકાશ ગુર્જરે 1000 મહિલા પાસે રાખડી બંધાવી રક્ષાબંધન ઉજવવાનું નક્કી કર્યું હતું. જેમાં 1,000 જેટલી મહિલાઓને પ્રધાનમંત્રી વીમા યોજના હેઠળ વિમાની ભેટ આપવાનું નક્કી કર્યું હતું. આ ઉપરાંત, મહિલાઓના નામના નોંધણી કરાવી ફોર્મ ભરીને મહિલાઓને વીમા યોજના શરૂ કરીને પ્રકાશ ગુર્જર દ્વારા પ્રમિયમ ભરવામાં આવશે. આ તમામ ઉજવણી વચ્ચે રાખડી બંધાવવામાં અને બહેનોને ભેગી કરવામાં પ્રકાશ ગુર્જર કોરોના ગાઇડલાઇન્સને ભૂલી ગયા હતા.
આ પણ વાંચો:ખુશીના તહેવાર પર જેલમાં જોવા મળ્યા દુઃખના આંસુ
સોશિયલ ડિસ્ટન્સના નિયમના ધજાગરા
રક્ષાબંધનની પ્રકાશ ગુર્જરની ઓફિસ પાસે મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ હતી. કોર્પોરેટર રાખડી બાંધીને ભેટ આપતા હોવાથી નાની બાળકીઓથી લઈને વૃદ્ધવયની મહિલાઓ રાખડી બાંધવા આવી હતી. એક સાથે મોટી સંખ્યામાં મહિલાઓ આવતા સોશિયલ ડિસ્ટન્સના નિયમના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત રાખડી બંધાવતા પ્રકાશ ગુર્જરે પણ માસ્ક પહેર્યું નહોતું. ફોટા પડાવી પ્રસિદ્ધિ મેળવવાના ચક્કરમાં મહિલાઓ સાથે પ્રકાશ ગુર્જર પણ નિયમો ભૂલ્યા હતા.
આ પણ વાંચો:ગુજરાતનું એક એવું ગામ જ્યાં રક્ષાબંધનના દિવસે બહેનો ભાઈઓને રાખડી નથી બાંધતી
તહેવારોમાં ઉન્માદ અને પ્રસન્નતા
આ મામલે પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું કે, તહેવારોમાં ઉન્માદ અને પ્રસન્નતા હોય છે, જેના કારણે નિયમો ભૂલ જવાયા હતા. રાખડી બાંધવા આવેલી બહેનોએ માસ્ક વિના ફોટા પડાવવા આગ્રહ કર્યો હોવાથી માસ્ક પહેર્યુ ન હતું. અમે તકેદારી રાખવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ હવે મહિલાઓ એક સાથે આવી જેથી નિયમો ભુલાઈ ગયા હતા.