- આગ લાગતા 8 દર્દી આગમાં ભડથું થઇ ગયા હતાં
- મુખ્યપ્રધાનથી લઈને વડાપ્રધાને કરી હતી સહાય
- હાલમાં હાઈકોર્ટમાં ચાલી રહી છે સુનવણી
અમદાવાદ: શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ મામલે બુધવારે ગુજરાત હાઇકોર્ટમાં સુનવણી ચાલી હતી. મૃતકોના પરિવારજનોએ કમિશન પાસે હોય તેવા તમામ દસ્તાવેજો માંગતી અલગથી અરજી કરી હતી. જેની સામે નામદાર કોર્ટે પરિવારજનોને પ્રશ્ન કર્યો હતો કે, કમિશન પાસે હોય તેવા બધા જ દસ્તાવેજો મંગવાનો તમને કઈ રીતે અધિકાર છે? તે સમજાવો.
આ પણ વાંચો:શ્રેય હોસ્પિટલ આગકાંડઃ મૃતક દીઠ 4 લાખની સહાય, કમિટી 3 દિવસમાં તપાસનો અહેવાલ આપશે
વધુ સુનવણી ગુરુવારના રોજ
હાઈકોર્ટના પ્રશ્નોના જવાબ આપતા મૃતકોના પરિવારજનો વતી તેમના વકીલે રજૂઆત કરી હતી કે, શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં અમે અમારા પરિવારજનોને ગુમાવ્યા છે. હોસ્પિટલમાં શું બન્યુ તેની તપાસમાં અમને યોગ્ય રજૂઆત કરવાથી અને દસ્તાવેજો માંગવાથી રોકી શકાય નહીં.આ મામલે વધુ સુનવણી ગુરૂવારના રોજ રાખવામાં આવી છે. જોકે, મૃતકોના પરિવારજનોની આ માંગણી સામે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કોર્ટમાં જણાવ્યું હતું કે, તપાસ પંચ એ સરકારનો મિત્ર છે. રાજ્ય સરકારે કાયદાકીય રીતે પોતાના મિત્ર પાસે હકીકતલક્ષી માહિતી ભેગી કરીને આપવાની મદદ માંગી છે. અરજદાર જે માંગણી કરી રહ્યા છે તે માન્ય રાખી શકાય નહીં.
શું છે શ્રેય હોસ્પિટલ મામલો?
રાજ્યમાં કોરોનાનો કહેર વચ્ચે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલને પણ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી હતી. આ હોસ્પિટલના ICU વોર્ડમાં પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યાં હતાં. તે દરમિયાન અચાનક આગ લાગી હતી. જેમાં 8 દર્દી આગમાં ભડથું થઇ ગયા હતાં. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શ્રેય હોસ્પિટલની આગ દુર્ઘટનામાં દુઃખદ અવસાન પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને પ્રત્યેક મૃતકના વારસદારને મુખ્યમંત્રી રાહત નીધિમાંથી 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાને આ ઘટનામાં ઇજા પામેલા ઈજગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવાનો નિર્ણય કર્યો હતો. શ્રેય હોસ્પિટલમાં મૃત્યુ પામનાર 8 દર્દીઓ પૈકી પાંચ પુરુષ અને ત્રણ મહિલા સહિત 8 દર્દીઓના મોત થયા અને 25 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.