- ગુજરાતના ઓટોમોબાઈલ હબના મુગટમાં ઉમેરાઈ શકે નવું પીછું
- અમેરિકાની જાણીતી કંપની ટેસ્લાના આગમનના ભણકારા
- ગુજરાતમાં ટેસ્લાને મળશે સૌથી વધુ મજબૂત માળખું અને સુવિધાઓ
અમદાવાદઃ ગુજરાત આપણા દેશનું વિકસિત રાજ્ય છે, ત્યારે ગત કેટલાક વર્ષોમાં રાજ્યનો ઔદ્યોગિક નકશો વિદેશી કંપનીઓના ચિહ્નોથી પણ શોભી રહેલો છે. ત્યાં 21 જાન્યુઆરીએ નવા ખુશખબર ફેલાયાં હતાં કે ગુજરાતમાં વધુ એક પ્રતિષ્ઠિત વિદેશી ઓટોમોબાઈલ કંપની પોતાનું ઉત્પાદન એકમ સ્થાપવા માટે સરકાર સાથે લાંબા સમયથી વિચારણા કરી રહી છે. આ કંપનીના નામનો ફોડ પણ પાડવામાં આવ્યો કે ઇલેકટ્રિક કારની ઉત્પાદક કંપની ટેસ્લા છે, જે ચીન છોડીને ભારતમાં આવવા માટે દેશના કેટલાક રાજ્યમાં એકમ સ્થાપના માટે રસ ધરાવે છે. નેકી ઔર પૂછપૂછ... રાજ્ય સરકાર તરફથી બપોર સુધીમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે માધ્યમો સમક્ષ એક નિવેદન પણ આપ્યું કે અનેક કંપનીઓ ચીનમાંથી ખસીને ગુજરાતમાં આવવા માટે સરકારના સંપર્કમાં છે.
ટેસ્લાએ બેંગલુરુમાં બનાવી છે રજિસ્ટર્ડ ઓફિસ
રાજ્ય સરકારના એક ટોચના અધિકારીના હવાલે ખબર પણ આવ્યાં છે કે રાજ્ય સરકાર હાલ ટેસ્લા કંપની સાથે ચર્ચા કરી રહી છે અને ગુજરાતમાં કંપનીનો બેઝ સ્થાપવા માટે તેમને તમામ પ્રકારના ઇન્સેન્ટિવ આપવા માટે તૈયારી દર્શાવાઈ છે. ઈલેક્ટ્રિક કાર મેકર્સમાં દુનિયામાં જાણીતું નામ ધરાવતી ટેસ્લા ભારતના બેંગલુરુમાં રીસર્ચ અને ડેવલોપમેન્ટ સેન્ટર સ્થાપવા માટે તેની રજિસ્ટર્ડ ઓફિસ બનાવી ચૂકી છે. તે હવે ગુજરાત સહિત બીજા રાજ્યોના સંપર્કમાં પણ છે જેનાથી તેઓ ભારતમાં પોતાનો વ્યાપ વધારી શકે.
ટેસ્લા, ઈન્કોર્પોરેટેડ એક અમેરિકી ઈલેક્ટ્રિક વાહન અને સૌર ઉર્જા કંપની છે. જે પાલો આલ્ટો કેલિફોર્નિયામાં સ્થિત છે. કંપની સોલરસિટી, સોલર પેનલ અને સોલર રુફનું ઉત્પાદન કરે છે. તેમ જ ટેસ્લા ઘરથી માંડીને ગ્રિડ સ્કેલ સુધી ઈલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફકચરિંગ, બેટરી એનર્જી સ્ટોરેજ કરવામાં તજજ્ઞ છે. કંપનીની સ્થાપના જુલાઈ 2003માં ટેસ્લા મોટર્સના નામે થઈ હતી. 2008થી કંપનીના સીઈઓ ઈલોન મસ્ક છે. ટેસ્લાએ વિશ્વમાં સૌથી વધુ વેચાતા પ્લગ-ઈન અન બેટરી ઈલેક્ટ્રિક પેસેન્જર કારનું ઉત્પાદન 2019થી કરી રહી છે. પ્લગ-ઈન સેગમેન્ટમાં માર્કેટ શેર 17 ટકા છે અને ઈલેક્ટ્રિક બેટરી સેગમેન્ટમાં માર્કેટ શેર 23 ટકા છે. 2020માં ટેસ્લાએ આંતરાષ્ટ્રીય ક્ષેત્રે 4,99,550 વાહનો વેચ્યાં હતાં, જે ગત વર્ષની સરખામણીએ 35.8 ટકાનો વધારો દર્શાવે છે. કંપનીએ 2020માં 1 મિલિયન ઈલેક્ટ્રીક કારનું ઉત્પાદન કર્યું હતું.
ભારતમાં ટેસ્લાને આવવા માટે પ્રોત્સાહક વાતાવરણ
ટેસ્લા ભારતમાં આવવા કેમ ઉત્સુક ન બને? ઇન્ડિયા એનર્જી સ્ટોરેજ એલાયન્સ(IESA)ના રિપોર્ટ પર એક નજર કરીએ તો જાણકારી મળે છે કે વર્ષ 2027 સુધીમાં ભારતમાં ઈલેક્ટ્રિક કાર માર્કેટ 63 લાખ યુનિટ પ્રતિ વર્ષ પહોંચશે. આ જ સમયગાળામાં બેટરીની પણ માગ વધશે. વર્ષ 2019-20 દરમિયાન પણ ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલનું વેચાણ 3.8 લાખ યુનિટ્સ રહ્યું હતું. તો આગામી સમયમાં ઇલેક્ટ્રિક કાર્સ માટે ભારતના લોકો પસંદગી દર્શાવી રહ્યાં છે તે સ્પષ્ટ છે, ત્યારે માહિતી એવી છે કે ટેસ્લા ભારતમાં તેના સૌથી વધુ વેચાયેલા મોડેલ-3થી શરુઆત કરી વેપારક્ષેત્ર કદમ માંડશે. પ્રોત્સાહક પ્રતિભાવ મળે તો કંપની તેના પ્રીમિયમ મોડેલ એસ અને મોડેલ એક્સને પણ લોન્ચ કરશે. આ મોડેલ વર્ષ 2022ની શરુઆતમાં આવવાની સંભાવનાઓ છે. ટેસ્લા ભારતમાં ક્યારે લોન્ચ થશે તે પૂછવા માગતાં હો તો જણાવીએ કે તેની લોન્ચ ડેટ અને પ્રાઈસ અંગે કોઈ સ્પષ્ટતા હજુ મળી નથી. ટેસ્લા ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ પોતાના વિકાસની સંભાવનાઓ ચકાસી રહી છે. ટેસ્લા મહારાષ્ટ્ર, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક સરકાર સાથે પણ ચર્ચા કરી રહી છે. પણ હાલ ટેસ્લા મેન્યુફકચરિંગનો પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપે તેવી પુરી શકયતાઓ જોવાઈ રહી છે.
ગુજરાતનો પક્ષ કેમ મજબૂત છે?
ગુજરાતને રિન્યુએબલ એનર્જીના હબ તરીકે વિકસાવવા માટે ગત કેટલાક સમયથી ભારે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે તે સરકારની છેલ્લામાં છેલ્લી પસંદગીની નીતિ છે તે સ્પષ્ટ છે. મોટા સોલાર પ્રોજેક્ટના અમલીકરણ અને હવે તો કિસાન સૂર્યોદય યોજના જેવી યોજનાના કારણે ઇલેક્ટ્રિસિટીના ભાવ રાજ્યમાં દેશના અન્ય ભાગ કરતા વધુ સ્પર્ધાત્મક રહેશે. જેનો લાભ ટેસ્લા કંપનીને મળી શકે છે. તો આ સાથે ગુજરાત પાસે સ્ટ્રેટેજિક ફાયદાઓ પણ છે, જેમ કે દરિયાઈ વાહનવ્યવહાર માટેની આધુનિક સવલત ધરાવતા પોર્ટ અને ભારતના મોટાભાગના માર્કેટ સુધી પહોંચવા માટે ગુજરાત કેન્દ્રબિંદુ બની શકે છે. આ ક્ષેત્રના જાણકારોના મતે ટેસ્લાના ભારતમાં આગમન સાથે દેશના ભવિષ્યના મોબિલિટી માર્કેટમાં ખૂબ જ મોટો ફેરફાર આવશે. ટેસ્લાના આવવાથી ગુજરાત સરકારની ઈલેક્ટ્રિક વેહિકલની પોલિસીને ફાયદો મળશે. ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ મેન્યુફેક્ચરિંગને ટેસ્લાના આવવાથી ખૂબ મજબૂતાઈ મળશે, જે મોબિલિટી ક્ષેત્રે એક નવી જ દિશા બની રહેશે. સૌથી અગત્યનો મુદ્દો એ છે કે મેન્યુફેક્ચરિંગ શરુ થતા દેશમાં ઈલેક્ટ્રિક વેહિકલ માટે જરુરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસવાનું પણ શરુ થઇ શકે છે.
ગુજરાતમાં એન્સિલિયરી પણ ધરાવે છે એકમો
રાજયમાં ટાટા, ફોર્ડ, સુઝુકી મોટર કોર્પોરેશન, સેઈકની એમજી મોટર, હોન્ડા મોટરસાયકલ, સ્કૂટર ઈન્ડિયા, હિરો મોટોકોર્પ. ચાઈનાની એમજી હેક્ટર જેવી કંપનીઓના મેન્યુફેકચરિંગ પ્લાન્ટ છે. આ સાથે એપોલો, એમઆરએફ, મેક્સીસ, સિયેટ કંપનીના એનસીલિયરિઝ પણ હાજરી ધરાવે છે. સાણંદમાં ટાટા નેનો પ્લાન્ટને લાવ્યા બાદ ગુજરાતમાં બહુચરાજી- માંડલ ઔદ્યોગિક વિસ્તાર ભારતના સૌથી મોટા ઓટોમોબાઈલ હબ ઉભર્યો હતો. રેલવે, પોર્ટ, હાઈવે અને અવિરત વિજળી તેમજ સ્કિલ્ડ લેબર સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે ઓટોમોબાઈલ કંપનીઓને આકર્ષણ ઊભું થાય છે. એન્સીલિયરિઝ કંપનીઓમાં જાપાનની ત્રણ કંપનીઓ અસ્તિ કોર્પોરેશન, કોઇટો મેન્યૂફેકચરિંગ કંપની અને મુરાકામી કોર્પોરેશન સાણંદ અને માંડ ઇન્ડસ્ટ્રિયલ કલ્સ્ટરમાં 2019માં જ આવી છે. એન્સિલિયરીઝ એકમો ઓટોમોબાઈલ ઉત્પાદન દરમિયાન વિવિધ પાર્ટની સરળ આપૂર્તિઓ માટે મહત્ત્વનો ભાગ ભજવે છે.